રાજકોટ: કોટડાસાંગાણીના રામોદ ગામમાં દલિત યુવતી સાથે તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને સરપંચનો પુત્ર અમિત જેન્તીભાઇ પડાળીયા અને તેના બે મિત્રો વિપુલ ભાયલા શેખડા અને શાંતિ ગોવિંદ પડાળીયાએ કારમાં અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ગેંગરેપની પીડિતા આજે મીડિયા સમક્ષ આવી કહ્યું હતું કે, આ ત્રણેયે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં મારા ઘરની આગળની શેરીમાં ધક્કો મારી ફેંકી ગયા હતા.
પીડિતાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, સવારની એકલી ઘરે હતી, મારા પપ્પા રીક્ષા લઇને ગયા હતા. મારા મમ્મી લગ્નમાં ગયા હતા અને મારા બે ભાઇ કામે કામે ગયા હતા. એકથી દોઢ વાગ્યાના અરસામાં હું વાસણ ધોતી હતી ત્યારે બ્રેઝા ગાડી લઇને ત્રણ જણા આવ્યા હતા અને કહ્યું કે આ.. લે.. કાગળ તારા પપ્પાને આપી દેજે. આથી હું ઓસરીમાં આવી તો મારો હાથ પકડી ધક્કો મારી મને ગાડીમાં નાંખી દીધી. અમિત જેન્તી પડાળીયા, વિપુલ ભાયલા શેખડા અને શાંતિ ગોવિંદ પડાળીયા એ ત્રણ શખ્સો આવ્યા હતા અને વ્હાઇટ કલરની બ્રેઝા ગાડી હતી. મને ગાડીમાં પાછળની સીટમાં પરાણે સુવડાવી દીધી અને ધક્કો મારીને નાખી મને લઇ ગયા અને ક્યાં લઇ ગયા તે મને ખબર નથી.
ત્રણેયે મારી સાથે રેપ કર્યો હતો અને રેપ કરી ફરી મને મારા ઘરની આગળની શેરીમાં ધક્કો મારી ફેંકી દીધી. મને એમ કહ્યું કે ભાનુબેન પડાળીયા છે તે રામોદ ગામના સરપંચ છે તેનો પુત્ર અમિતે મને રિવોલ્વર બતાવી કહ્યું કે તું કોઇને કહીશ તો તારા ભાઇઓને મારી નાંખીશ અને હું ભાજપનો મહામંત્રી છું. આખી ભાજપ સરકાર મારી છે મને કોઇ કંઇ મારૂ નહીં કરી લે. હું ઘરે આવી તો હું બેહોશ થઇ ગઇ હતી. મારા મમ્મી ઘરે આવ્યા તો મને ઉઠાડી અને મેં મારી મમ્મી સાથે વાત કરી અને મારા મમ્મીએ 108ને ફોન કર્યો અને ગોંડલ સિવિલ હોસ્પિટલે સારવાર માટે મને ખસેડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.