ખંભાતમાં થયેલા કોમી રમખાણોના પાંચમા દિવસ બાદ ગુરૂવારે જન-જીવન લગભગ થાળે પડ્યું, અજંપાભરી સ્થિતિ

આણંદઃ ખંભાતમાં થયેલા કોમી રમખાણોના પાંચમા દિવસ બાદ ગુરૂવારે જન-જીવન લગભગ થાળે પડ્યું હતું. પોલીસના ચુસ્ત પેટ્રોલિંગ અને બંદોબસ્ત વચ્ચે લોકોની અવર-જવર સામાન્ય બની હતી. મોટાભાગની દુકાનો ખુલી હતી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારો હજુ પણ એવાં ને એવા જ છે. હજુ પણ ઘરો-રસ્તાઓ સુમસામ પડ્યા છે. જ્યારે બીજી તરફ શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ રાબેતા મુજબ ધમ-ધમી હતી. પરંતુ વિદ્યાર્થીઓ અને અરજદારોની પાંખી હાજરી ઉડીને આંખે વળગતી હતી.

ખંભાતમાં ગત રવિવારે બે કોમ વચ્ચે થયેલી હિસા બાદ પાચમા દિવસે શહેર ધબકતું થયું હતું. ગુરૂવારે સવારે રાબેતા મુજબ કેટલીક દુકાનો ખુલી હતી. ખંભાતના અકબરપુર, લાલ દરવાજા, બાવાબાજીસા, ભોઈબારી, ભાવસારવાડ અને મોચીવાડ વિસ્તારમાં કેટલાંય લોકો રમખાણને પગલે પોતાના ઘર-માલ-સામાન છોડીને જતા રહ્યા હતા. જેને પગલે તોફાનીઓએ તેને ફૂંકી માર્યા હતા. આ બનાવને પગલે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારો હજુ પણ ભેંકાર ભાસી રહ્યા છે. જોકે, આ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમ, તો મોચીવાડમાં થયેલી છેલ્લી ઘટના પછી એકપણ અનિચ્છનીય બનાવ બન્યો નહતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ સમગ્ર બનાવમાં અફવાઓથી દૂર રહેવા અને ખોટા મેસેજ સોશ્યલ મીડિયા પર વાઈરલ ન કરવા માટે જણાવ્યું હતું.

કોમી રમખાણો બાદ ગત મંગળવારે ભેગા થયેલા ટોળાએ ધારાસભ્ય વિરૂદ્ધ હુરીયો બોલાવ્યો હતો. દરમિયાન છૂટા પડેલા ટોળાંએ મોચીવાડમાં મકાન-દુકાનોમાં તોડફોડ કરી હતી. આ બનાવને પગલે ખંભાત પોલીસે મોચીવાડમાં તોડફોડ અને ગવારા ટાવર ખાતે મોટી સંખ્યામાં હિન્દુઓ એકઠાં થવાના બનાવ સંદર્ભે બે અલગ-અલગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ખંભાતના પૂર્વ ધારાસભ્યસ સંજય પટેલ સહિત કુલ 18 સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જોકે, 18 પૈકી વડોદરાના એડવોકેટ નીરજ જૈન અને નડિયાદના એડવોકેટ કેતન પટેલે મંગળવારે તેઓ ખંભાતમાં હાજર જ ન હોવાનું અને સમગ્ર ફરિયાદ તેમના વિરૂદ્ધ ખોટી થઈ હોવાની આણંદના સીધું સમાજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. બંનેએ હિન્દુ જાગરણ મંચનું નામ બદનામ કરવાના આક્ષેપ સાથે ફરિયાદમાંથી તાત્કાલિક નામ કાઢી નાંખવાની પણ માંગણી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.