ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ, પ્રદેશ સંગઠનની નિમણૂંકની કડીમાં ગૂંચવણ

ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જેના કારણે પ્રદેશ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયેલું છે. હવે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઇને ધમધમાટ શરૂ થયો છે. આજે દિલ્હીથી ભાજપના બે નિરીક્ષકો અમદાવાદ આવ્યા છે. તેઓ પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને અભિપ્રાય મેળવશે. ત્યાર બાદ પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરાશે. ગુજરાત ભાજપમાં હજુય જિલ્લા પ્રમુખથી માંડીને પ્રદેશના સંગઠનનું કોકડુ ઉકેલાયુ નથી.

દિલ્હીથી આવ્યા બે નિરીક્ષકો
જિલ્લા પ્રમુખપદ મેળવવા માટે ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. માનીતાઓને ગોઠવવાની લ્હાયમાં હજુ સુધી જિલ્લા પ્રમુખોના નામ જાહેર થયા નથી. નવેમ્બરમાં જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠનની નિમણૂંક કરી દેવા નક્કી કરાયુ હતું, પણ હજુ કોઇ ઠેકાણા નથી. આજે દિલ્હીથી ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ અને વી.સતીશ નિરિક્ષક તરીકે આવ્યા છે.

  • બંને નિરીક્ષકોના આવ્યા બાદ ભાજપ ઓફિસ કમલમ ખાતે બેઠકોનો દોર ચાલશે. પહેલા પ્રદેશના નેતાઓ સાથે બેઠક થશે અને બપોર બાદ સંગઠનના મોરચાના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. પ્રભારીની મુલાકાત સાથે લાંબા સમયથી અટકેલા સંગઠનના મુદ્દાનો ઉકેલ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.