સુરતના ડુમસ રોડ પર આવેલા ફાર્મ માં પોલીસની રેડ, 13 યુવતીઓ સહિત 52 નબીરા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

સુરતઃ ડુમસ રોડ પરએરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં પોલીસની રેડ પાડી 52 નબીરાઓને ઝડપી પાડતા મોટા માથાઓ દોડતા થઈ ગયા હતા. ડુમસ પોલીસ સ્ટેશને 500થી વધુ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.

ડુમસના આશીર્વાદ ફાર્મ હાઉસના એક બંગલામાં 29 ફેબ્રુઆરીની લીપ યર પાર્ટી ચાલી રહી હતી. જેમાં ડી.જે.ના તાલે સૌ ઝૂમતા હતા. ડુમસ પીઆઈને બાતમી મળતા પોલીસ પહોંચી હતી. સ્થળ પર મોંઘીદાટ કાર પાર્ક હતી અને અંદર મહેફિલ ચાલતી હતી. દારૂની મહેફિલ જમાવીને બેઠેલા 31 નબીરાઓને રંગેહાથે પકડી પાડયા હતા. તેમની સાથે 5 કેટરર્સના માણસો અને 3 બાઉન્સરને પણ પકડાયા હતા.નબીરાઓની સાથે 13 યુવતીઓ પણ પાર્ટીમાં સામેલ હતી, જેમાંથી 3 યુવતીએ નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસે 3થી વધુ પેટી બિયર અને 3 દારૂની બોટલ હતી. ત્યારબાદ ઉઘોગપતિ નબીરાઓને લઈને પોલીસ સ્ટેશને આવી હતી. નબીરાઓને છોડાવવા ઉઘોગપતિઓએ ભારે ધમપછાડા કર્યા હતા. જો કે પોલીસે કોઈની શેહશરમ રાખી ન હતી. તપાસમાં પારસીનું ફાર્મ હાઉસ ગગન ઢીંગરા નામના ઇસમે પાર્ટી માટે ભાડે લીધું હતું.

પીઆઇ આર એન પટેલે જણાવ્યું હતું કે, આશીર્વાદ ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ બાબતે માહિતી મળતા પોલીસે ડુમસ આશીર્વાદ ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. જ્યાંથી 13 યુવતી સહિત 50થી વધુને અટક કરી પોલીસ સ્ટેશનમાં લવાયા છે. આગળની તપાસમાં જે કોઈ પણ દારૂ કે કોઈ પ્રકારનું વ્યસન કર્યું હશે તો તે વિશે તપાસ કરી ચોક્કસ કાયદેસરના પગલાં ભરીશું. તમામ 17 થી 25 વર્ષ ની ઉંમર ના હોવાનું બહાર આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.