નાગિરકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ધરણાની સાથે સાથે પોલીસે રવિવારે શાહીન બાગમાં ધારા144 લાગુ કરી દીધી છે. હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ અહીંયા રેલી કાઢવાની વાત કહી છે. જોઈન્ટ કમિશનર ડીસી શ્રીવાસ્તવે કહ્યું કે, ઠેર ઠેર બેનર લગાવીને લોકોને એકઠા થવા, દેખાવો કરવા માટેની ના પાડી છે. પોલીસે ચેતવણી પણ આપી છે કે આવું કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સવારથી જ શાહીન બાગ સિવાય જાફરાબાદ, મૌજપુર સહિત હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વધારે પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે. દિલ્હી હિંસા કેસમાં અત્યાર સુધી 167 FIR નોંધાઈ ચુકી છે. જેમાં 13 મામલા સોશયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ નાંખવાવાળાઓ પર પણ નોંધાયા છે. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, આ સંખ્યા વધી શકે છે. ફેસબુ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. 36 કેસ હથિયારનો ઉપયોગ કર્યા હોવાના પણ થયા છે.
શનિવારે દિલ્હી હિંસા વિરુદ્ધ હિન્દુ સેનાએ રેલી કાઢીને વિરોધ કર્યો હતો. જેમાં ભાજપ નેતા કપિલ મિશ્રા પણ સામેલ થયા હતા. એવામાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસે શાહીન બાગમાં CAA વિરુદ્ધ દેખાવ કરી રહેલા લોકોની સુરક્ષા વધારી દીધી છે. સાથે જ દિલ્હીમાં હવે બધું સામાન્ય થવા લાગ્યું છે. દુકાનદાર પોતાની દુકાનો ખોલી રહ્યા છે. નોકરીધંધો કરતા લોકો હવે પોત પોતાના કામે જવા લાગ્યા છે.
આ પહેલા શનિવારે હિંસાથી પ્રભાવિત વિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અધિકારીઓ સાથે સમીક્ષાની બેઠક કરી હતી. ત્યારબાદ કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે, હિંસાગ્રસ્ત વિસ્તારમાં કુલ 18 SDMને તહેનાત કરવામાં આવી છે. તમામ SDM ઘરે ઘરે જઈને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, એ તમામ SDM પાસેથી દરેક પળનો રિપોર્ટ લઈ રહ્યા છે. દિલ્હી હિંસામાં જે લોકોને નુકસાન થયું છે એવા 69 લોકોને વળતર આપવામાં આવશે. તમામને રવિવાર સુધી વળતરની રકમ આપી દેવાશે.
પોલીસે દિલ્હી હિંસામાં સામેલ ઉપદ્રવીઓની ઓળખ કરવાની કામગીરી વધારી દીધી છે. પોલીસે અત્યાર સુધી આ મામલામાં 870થી વધારે લોકોને કસ્ટડીમાં લઈને પુછપરછ કરી ચુકી છે. અલગ અલગ વીડિયો, ફોટો દ્વારા રમખાણકારોની ઓળખ કરવામાં આવી રહી છે. જાફરાબાદમાં ખુલ્લેઆમ તમંચો ચલાવનારા શાહરૂખને પકડવા માટે પણ પોલસની બે ટીમની રચના કરવામાં આવી છે. સાથે જ દિલ્હી હિંસાના આરોપી અને આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કાઉન્સિલર હુસૈનની તપાસ પણ પોલીસે વધારી દીધી છે. તાહિરની ધરપકડ કરવા માટે પાંચ ટીમની રચના કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.