દેશમાં ચાર રાજ્યોમાં ચાર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે બે બેઠકો પર વિજય મેળવ્યો હતો જ્યારે શાસક એલડીએફે એક બેઠક આંચકી લીધી અને કોંગ્રેસે છત્તિસગઢમાં નક્સલગ્રસ્ત દાંતેવાડામાં એક બેઠક જીતીને રાજ્યમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.
ભાજપે ઉત્તર પ્રદેશમાં એક બેઠક પર સમાજવાદી પક્ષ અને ત્રિપુરામાં સીપીઆઈ-એમના ઉમેદવારોને હરાવીને બંને બેઠકો જીતી લીધી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના યુવરાજ સિંહે હમીરપુર બેઠક પર સપાના મનોજ પ્રજાપતિ સામે 17,846 મતોથી વિજય મેળવ્યો છે.ભાજપના ધારાસભ્ય અશોક કુમારસિંહ ચંદેલ એક હત્યા કેસમાં દોષિત ઠર્યા બાદ તે ગેરલાયક ઠરતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
ભાજપના ઉમેદવાર મિમિ મજુમદારે ત્રિપુરામાં બધરઘાટ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય મેળળ્યો હતો. આ બેઠક પર મજુમદારે 5,276 મતોથી તેમના નજીકના પ્રતિસ્પર્ધી સીપીઆઈ-એમના બુલ્તિ બિશ્વાસને હરાવ્યા હતા.
ભાજપના ધારાસભ્ય દિલિપ સરકારનું એપ્રિલમાં નધન થતાં આ બેઠક ખાલી પડી હતી. આ વિજય સાથે 60 બેઠકોની ત્રિપુરા વિધાનસભામાં શાસક ભાજપની 36 બેઠકો થઈ ગઈ છે.
કોંગ્રેસના દેવતી કર્માએ નક્સલગ્રસ્ત દાંતેવાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઓજસ્વી મંડાવીને 11192 મતોથી હરાવ્યા હતા. એપ્રિલમાં માઓવાદીઓના હુમલામાં ઓજસ્વી મંડાવીના ધારાસભ્ય પતિ ભિમા મંડાવીનું મોત નીપજ્યાં બાદ આ બેઠક પર ચૂંટણી જરૂરી હતી.
કેરળમાં પાલા વિધાનસભા બેઠક પર એલડીએફના મણિ સી કપ્પેને કોંગ્રેસ નેતૃત્ત્વના યુડીએફના જોસ ટોમ પુલિક્કુનેલને 2,943 મતોથી હરાવ્યા હતા. આ બેઠક છેલ્લા પાંચ દાયકાથી કોંગ્રેસનો ગઢ હતી અને કોંગ્રેસના ભૂતપૂર્વ નાણામંત્રી કે. એમ. મણિનું પ્રભુત્વ હતું. એપ્રિલમાં મણિના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.