આ ધારાસભ્યને કારણે ભાજપમાં શરૂ થઈ કાનભંભેરણી, જનાબને જોઈએ છે CM રૂપાણી જેવી ખુરશી

વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં મુખ્યમંત્રી બદલવાની વાત નથી, પણ મુખ્યમંત્રી જેવી ખુરશીનો મોહની વાત છે. ભાજપના એક સિનિયર ધારાસભ્યને આ મોહ લાગ્યો છે. વિધાનસભા (gujarat vidhansabha) ના નિયમો પ્રમાણે સરકાર અને પક્ષના હોદ્દેદારોને બેઠક, કેબિન, ખુરશીઓ તેમજ સ્ટાફની ફાળવણી અંગે એક નિશ્ચિત બજેટ અને ગાઈડલાઈન હોય છે. આ નિયમો પ્રમાણે રાજ્યકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ભાજપના એક સિનિયર ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani)ની ખુરશી જેવી ખુરશી પોતાની કેબિનમાં રાખવાનો આગ્રહ રાખ્યો અને વિધાનસભાના અધિકારીઓ પાસે આ જ પ્રકારની ખુરશીની માંગણી કરી.

સૂત્રોની વાત સાચી માનીએ તો, વિધાનસભાના અધિકારીઓએ ભાજપના આ સિનિયર નેતાને નિયમોનો હવાલો આપીને આ પ્રકારની ખુરશી તમને ન મળી શકે એવો જવાબ આપ્યો. જેના કારણે ભાજપના આ સિનિયર ધારાસભ્ય જીદે ચડ્યા અને અધિકારીઓના ના પાડવા છતાં મુખ્યમંત્રી જેવી જ ખુરશી પોતાની કેબિનમાં મૂકાવી. જેના કારણે હાલ તો આ સમગ્ર મામલો ભાજપના ધારાસભ્યોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સામાન્ય રીતે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે, જેના કારણે કોઈપણ ધારાસભ્ય કે નેતા આ પ્રકારની જીદ કે માંગણી કરતા નથી. પણ ભાજપના સિનિયર ધારાસભ્ય જો આ પ્રકારની માંગણી કરે તો તે સરકાર અને પક્ષના નેતાઓ માટે આંચકારૂપ બાબત છે. હાલ તો ભાજપના ધારાસભ્યોમાં ગણગણાટ ચાલી રહ્યો છે કે, સમયાંતરે મુખ્યમંત્રી બદલવાની અફવાઓ વચ્ચે મુખ્યમંત્રી જેવી ખુરશીનો મોહ રાખનાર આ સિનિયર ધારાસભ્યને હાઈ કમાન્ડ કોઇ ઠપકો આપે છે કે કેમ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.