મધ્યપ્રદેશની ઘટના બાદ ભાજપમાં પણ ડરનો માહોલ, રાતોરાત ધારાસભ્યોને લઈ જવાયા દિલ્હી, કારણ અજાણ

મધ્ય પ્રદેશમાં કમલનાથના વડપણ હેઠળની કોંગ્રેસની સરકાર સામે બળવો કરી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા છાવણીના 22 ધારાસભ્યોએ રાજીનામા આપતા રાજકીય ગરમાવો વધ્યો છે. રાજીનામું આપનારા કોંગ્રેસના 22 ધારાસભ્યો સાથે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ જાહેરમાં આવ્યા બાદ હવે ભાજપને પણ કોંગ્રેસ વળતો પ્રહાર કરે તેવો ડર સતાવી રહ્યો છે. જેથી ભાજપે પોતાના ધારાસભ્યોને એકજૂટ કરી મોડી રાત્રે તેમને ભોપાલથી અન્યત્ર ખસેડ્યા હતાં.

મોડી સાંજ સુધીમાં રાજ્યના ભાજપના દરેક ધારાસભ્યોને ભોપાલ પહોંચી જવા તાકિદ કરી દેવામાં આવી હતી. એ મુજબ, કૈલાસ વિજયવર્ગિયના એક નિકટના વ્યક્તિના ફાર્મહાઉસમાં એકઠા થયેલા ધારાસભ્યોને રાત્રે 10 વાગ્યા આસપાસ પ્રાંત ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા હતાં. ત્યાંથી બે લક્ઝરી બસમાં બેસીને ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતાં.

બીજેપીએ પોતાના ધારાસભ્યોને દિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો હતો. તમામ ધારાસભ્યોને બસમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતાં. ધારાસભ્ય વિજય શાહે કહ્યું હતું કે અમે બેંગલુરુ કે દિલ્હી જઈ રહ્યા છીએ.

ધારાસભ્યોને ક્યાં લઈ જવાઈ રહ્યા છે એ વિશે ભાજપના પ્રાંત નેતાઓમાંથી કોઈએ ફોડ પાડ્યો ન હતો. કેટલાંક ધારાસભ્યોએ હોળી મનાવવા જતાં હોવાનું કારણ દર્શાવ્યું હતું, તો કેટલાંકે દિલ્હી એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમ માટે જતાં હોવાનું કહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.