ગુજરાતમાં કોંગ્રેસના કોઈ ધારાસભ્યો આ વખતે પક્ષ પલટાના મૂડમાં નથી. તો ભાજપને પણ અંદરથી બગાવતનો છૂપો ડર રહ્યા કરે છે એટલે વિધાનસભા સત્રમાં ડીનર બંધ કરાવ્યા છે. ગત વખત કરતા આ વખતે કોંગ્રેસને રાજ્યસભાની એક સીટ વધુ મળે તેમ છે ત્યારે હવે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૩ માર્ચ અગાઉ છેલ્લી ઘડીએ અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે.
ભાજપે ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું છે, ત્રીજું નામ પણ ભાજપ જાહેર કરી શકે છે પરંતુ પહેલા તેઓ ધારાસભ્યો મેનેજ કરવાનો પ્રયત્ન કરશે નહીંતર ત્રીજા ઉમેદવારની ભાજપની હાર તેના માટે નુકસાનકારક બની રહેશે.
તો સામે છેડે હાલ કોંગ્રેસ પણ રાજ્યસભાના ઉમેદવારો નક્કી કરવાની કવાયતને અંતિમ ઓપ આપવાનું કામ શરુ કર્યું છે. કોંગ્રેસમાંથી આ વખતે ઓબીસી અને પાટીદાર સમાજમાંથી નેતા પસંદ કરવા માટે માંગણી થઇ રહી છે. જેના માટે સામાજિક આગેવાનો અને ધારાસભ્યો તરફથી દબાણ અને લોબિંગ કરવામાં આવી રહ્યું છે.
જો કોંગ્રેસ મધુસુદન મિસ્ત્રીને રીપીટ નથી કરતી તો બે ઉમેદવારો ઉભા રાખશે જેમાં સૌથી પ્રબળ દાવેદારમાં ભરતસિંહ સોલંકીનું નામ ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ માં ગુજરાતભરમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ઝળહળતું પરિણામ તેમના મેનેજમેન્ટ અને સંગઠનલક્ષી કામગીરીને લીધે મળ્યું હતું તો ૨૦૧૭ માં પણ ભાજપને ૧૫૧ ના ટાર્ગેટ સામે ૯૯ ની અંદર રાખી છેક સુધીની ટક્કર આપી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ માટે મહેનત કરી સારું પરિણામ અપાવનાર અને જેમની કાર્યશૈલીથી વિરોધીઓ પણ શીખે છે તેવા ભરતસિંહ સોલંકીનું નામ કાર્યકરો અને ધારાસભ્યોમાં મોખરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.