ભારતના પાડોશી દેશ ચીનથી શરૂ થયેલો કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો છે, 138 દેશોમાં આ વાઇરસની હાહાકાર છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે સાર્ક દેશોના વડાઓએ વીડિયો કોન્ફરન્સથી એકબીજાની સાથે બેઠક યોજી હતી.
જેમાં ભારત વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગેવાની લીધી હતી. મોદીએ સાર્ક દેશોને કોરોના વાઇરસ સામે પહોંચી વળવા છુટા છવાયા નહીં પણ એક થઇને લડવાની હાકલ કરી હતી જેને બધા દેશોએ માન્ય રાખી હતી.
મોદીએ વીડિયો કોન્ફરન્સ મીટિંગમાં કહ્યું હતું કે કોરોનાને પહોંચી વળવા માટે ભારત તૈયાર છે અને એક વિશેષ રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી રહી છે. સાથે જ મોદીએ વાઇરસને પહોંચી વળવા સાર્ક દેશોને ઇમર્જન્સી ફંડ એકઠુ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ભારત તરફથી આ ફંડમાં 10 મિલિયન ડોલર એટલે કે આશરે 74 કરોડની ઓફર મોદીએ કરી લીધી હતી.
સાર્ક દેશો દ્વારા વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત શ્રીલંકાના પ્રમુખ ગોટબયા રાજપક્ષા, માલદિવના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા, ભુતાનના વડા પ્રધાન લોટાય ટીશેરિંગ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાની, પાકિસ્તાનના વડા પ્રધાનના મદદનીશ અને સ્વાસ્થ્ય પ્રધાન ઝફર મિર્ઝા પણ જોડાયા હતા.
આ વીડિયો કોન્ફરન્સનો પ્રસ્તાવ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ આપ્યો હતો જેને બાકી દેશોના વડાઓએ માન્ય રાખ્યો હતો. બેઠકની શરૂઆતમાં જ મોદીએ ભારતના કોરોના વાઇરસ સામે પહોંચી વળવાના મંત્રને વાગોળતા કહ્યું હતું કે તૈયાર રહો પણ ઘબરાવાની જરૂર નથી. સાથે તેમણે આહવાન કર્યું હતું કે સાર્ક દેશોએ ખભેખભો મિલાવીને કોરોના વાઇરસ સામે પહોંચી વળવાનું છે.
બાદમાં મોદીએ કહ્યું હતું કે હું કોરોના વાઇરસ સામે પહોંચી વળવા સાર્ક દેશોને મદદરૂપ થાય તે માટે ફન્ડ એકઠુ કરવાનો પ્રસ્તાવ મુકુ છું, આ ફંડ સ્વેચ્છીક રીતે એકબીજા દ્વારા થતા દાન થકી એકઠુ કરવામાં આવશે.
આ ફંડનો ઉપયોગ સાર્ક સભ્યોમાંથી કોઇ પણ દેશ કરી શકશે. આ ફંડ માટે આપણા રાજદુતો અને રાજદ્વારીઓ એકબીજાના સંપર્કમાં રહેશે. સાથે જ કોરોના વાઇરસને લઇને સ્વાસ્થ્ય રૂપી પગલા લેવા યોગ્ય રિસર્ચ કરવાની જરૂર છે અને તે માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તૈયાર છે.
ભારતે વાઇરસ સામે પહોંચી વળવા કેવા પગલા લીધા તે અંગે પણ મોદીએ વાત કરી હતી. અન્ય દેશોના વડાઓએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા, માલદિવના પ્રમુખ ઇબ્રાહિમે કહ્યું હતું કે અમારા નાગરિકોને ચીનમાંથી મુક્ત કરાવવા બદલ ભારતનો આભાર, વાઇરસને કોઇ દેશ એકલા હાથે ન પહોંચી શકે, સાથે મળી કામ કરવું પડશે.
જ્યારે શ્રીલંકાએ આર્થિક સંકટને પહોંચી વળવા યોગ્ય પગલા લેવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જ્યારે અફઘાનિસ્તાને દવાઓ અને સારવાર પર, બાંગ્લાદેશે સ્વાસ્થ્ય મંત્રીઓની સમિટ યોજવાનો પ્રસ્તાવ મુક્યો, ભુતાન અને નેપાળના વડાઓએ પણ ભારતનો આભાર માન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.