સુરત છોડીને પોતાના વતનમાં જતા લોકોને કાપોદ્રા પોલીસે અટકાવીને તેમને ૧૫ દિવસ સુધી રહેવાનું તેમજ જમવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
કોરોના વાયરસની મહામારીને કારણે લોકો પોતાનું શહેર છોડીને વતનમાં જવા લાગ્યા છે. લોકડાઉનને અઠવાડિયું થયું છે ત્યારે શહેરમાંથી મોટા ભાગના લોકોએ હિજરત કરી મૂકી છે. પરપ્રાંતિયો લોકો પોતાના વતનમાં જવાની જીદે બેઠા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રહેતા લોકો ગમે તે વાહનમાં જતા રહ્યા છે. કોરોના વાયરસ એક ચેપી રોગ હોય અને લોકોના સ્પર્શથી પણ કોરોના વાયરસ થવાની ચિંતા હોવાથી શનિવારે સરકારે તમામને રોડ વચ્ચે જ અટકાવી દઇ તેઓ જે સ્થળે છે તે જ સ્થળે રહેવા માટે જણાવ્યું હતું.
આ દરમિયાન સુરતમાંથી કામરેજ થઇને પોતાના વતનમાં જતાં કેટલાક લોકોને પોલીસ રોકી રહી હતી. કાપોદ્રા પોલીસના પીઆઇ એમ.કે. ગુર્જર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમણે સુરત છોડીને જતા લોકોને અટકાવ્યા હતા. આ તમામને સુરત છોડવાનું કારણ પુછાયું ત્યારે તેમણે રહેવા અને જમવાનું ખૂટી ગયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમને સુરત છોડવાની ના પાડી હતી અને સમજાવ્યા હતા. આ સાથે જ પોલીસ તેમજ સ્થાનિક વિસ્તારની ૨૫ જેટલી સોસાયટીઓમાં કે જેઓ મધ્યમ વર્ગના અને બહારનાં રાજ્યમાંથી આવી મજૂરીકામ તથા એમ્બ્રોઇડરી કામ કરતા હોય તેમને રહેવાની વ્યવસ્થા કરાઇ હતી. આ વ્યવસ્થા માટે કુલ ૪૮૫૦ લોકોને બે ટાઇમ રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેમાં યોગજીવ સેવા ગ્રુપ તથા રચના સોસાયટી, રામક્રિષ્ણ કામધેનુ ધૂન સેવા ગ્રુપ, સિદ્ધકુટિર મંદિર ટ્રસ્ટ, પી.પી. સવાણી ગ્રુપ તથા શિવશક્તિ ગ્રુપ, ભક્તિનગર સોસાયટી, મમતા પાર્ક સોસાયટીના હરેશભાઇ સહિતે પોતાની જવાબદારી સ્વીકારીને ૫૦૦૦ જેટલા માણસોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.