દેશમાં કોરોના વાઈરસનો પ્રસાર સતત વધી રહ્યો છે. ગુરુવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૧૮નાં મોત નીપજ્યાં હતા જ્યારે ૪૦૦થી વધુ નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૭૩ થયો છે અને કેસોની કુલ સંખ્યા ૨૩૫૮થી વધુ થઈ ગઈ છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે ૧૪મી એપ્રિલે ૨૧ દિવસના લોકડાઉનનો સમય પૂરો થતો હોવાથી લોકડાઉન પછી લોકો ધીમે ધીમે ઘરોમાંથી બહાર નીકળે તે માટે રાજ્યો સાથે સંયુક્ત રણનીતિ પર ભાર મૂક્યો હતો.
આ સાથે તેમણે વિવિધ ધર્મોના નેતાઓને તેમના પંથના લોકોને કોરોના સામેની લડતમાં સરકારી તંત્રના નિર્ણયોનો અમલ કરવા, સામાજિક અંતર જાળળવા અને જાગૃતિ લાવવા માટે અપીલ કરી હતી. મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પછી વડાપ્રધાન મોદીએ શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાની જાહેરાત કરી હતી.
કોરોના વાઈરસ અંગે વિગતો જાહેર કરતાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુરુવારે મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી સહિતના રાજ્યોમાં ૪૦૦થી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી દેશમાં કોરોના વાઈરસના કુલ કેસોની સંખ્યા ૨૩૫૮થી વધુ થઈ ગઈ છે. કોરોના વાઈરસના નવા મોટાભાગના કેસો તબલિગ જમાત સાથે સંકળાયેલા છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોના મુદ્દે ચર્ચા કરવા માટે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફત એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યોને કોરોના વાઈરસને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઈસોલેશન અને ક્વોરેન્ટાઈન પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે મુખ્યમંત્રીઓને અપીલ કરી કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના અંગે જાગૃતિ માટે તેઓ વિવિધ ધાર્મિક વડાઓની મદદ લે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીઓએ ધાર્મિક ગુરુઓ સાથે વાત કરીને તેમને ધાર્મિક મેળાવડાઓ કરવાનું ટાળવા માટે જણાવવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.