આણંદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનના લીરેલીરાં ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સવારના સુમારે જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે છુટ આપવામાં આવેલ હોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં કામકાજ વિના બહાર નીકળતા અને ટોળે વળતા લોકો નજરે પડી રહ્યા છે. બીજી તરફ સાંજે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ આસપાસના સ્થળોએ કામકાજ વિના લટાર મારવા નીકળતા લોકોની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે.
લોકડાઉનની જાહેરાતને આજે નવ દિવસ વીત્યા છે. જો કે આણંદ શહેરમાં સવારના સુમારે તેમજ સાંજના સુમારે કેટલાક વ્યક્તિઓ દ્વારા લોકડાઉનની ઐસી કી તૈસી કરી કોઈપણ કામકાજ વિના બહાર લટાર મારવા નીકળી અથવા તો ટોળે વળી લોકડાઉનના લીરેલીરાં ઉડાવવામાં આવી રહ્યા છે.
આણંદ શહેરના અમૂલ ડેરી રોડ, ગણેશ ચોકડી, જુના દાદર, ઈસ્માઈલનગર, ગુજરાતી ચોક, નવા બસ મથકની પાછળનો વિસ્તાર, ૮૦ ફૂટ રોડ, ૧૦૦ ફૂટ રોડ, આણંદ-વિદ્યાનગર રોડ, બોરસદ ચોકડી તેમજ વિદ્યાનગરના નાના બજાર, મોટા બજાર તથા કરમસદ રોડ સહિતના વિસ્તારોમાં લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સવારના સુમારે જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે છુટ હોઈ આ તકનો લાભ લઈ કેટલાક લોકો કોઈપણ કામકાજ વિના બહાર ફરતા નજરે પડી રહ્યા છે.
બીજી તરફ દિવસ દરમ્યાન ઘરે આરામ ફરમાવ્યા બાદ સાંજ ઢળતા જ કેટલાક લોકો લટાર મારવા નીકળી પડતા હોય છે. સવારના સુમારે જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓ ખરીદી અર્થે સવારના સુમારે આણંદ શહેરની વિવિધ દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. કેટલીક દુકાનો ખાતે સોશીયલ ડીસ્ટેન્સીંગના આદેશના લીરેલીરાં ઉડી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં ખાનગી રાહે દુકાનદારો અડધુ શટર ખોલીને ધંધો કરતા નજરે પડી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.