કોરોનાને કારણે અશાંત દેશોની સ્થિતિ વધારે ખરાબ થશે : રાષ્ટ્રસંઘની શાંતિ જાળવવા અપીલ

રાષ્ટ્રસંઘના વડા એન્ટોનિયોએ આજે જણાવ્યું હતું કે જે દેશો અશાંતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેમણે ચેતવાની જરૃર છે. આવા દેશોની સ્થિતિ આગામી દિવસોમાં વધારે બદતર થઈ શકે છે. લિબિયા, સિરિયા, યમન જેવા દેશો વર્ષોથી ગૃહયુદ્ધ લડી રહ્યા છે અને અમુક કેસોમાં સરહદી સંઘર્ષ પણ ચાલુ છે. ત્યાં કોરોના ફેલાવાની શરૃઆત થયા પછી અટકવો મુશ્કેલ થઈ પડશે, એવી ચેતવણી રાષ્ટ્રસંઘે આપી હતી. માટે આ ત્રણ અને અન્ય દેશો પણ અત્યારે શાંતિ જાળવે, એવી અપીલ એન્ટોનિયોએ કરી હતી.

કોરોનાને કારણે બંધ પડેલા ધધા-રોજગારથી અમેરિકામાં માર્ચ મહિનામાં ૭ લાખ ૧ હજાર લોકોએ નોકરી ગુમાવી હતી. અમેરિકી સરકારના લેબર ડિપાર્ટમેન્ટે આજે આંકડા રજૂ કર્યા હતા. ૨૦૦૯ પછી એક જ મહિનામાં નોકરી ગુમાવનારાનો આ સૌથી મોટો આંકડો છે. આ ઘટાડાની અસર અમેરિકી શેરબજાર અને ક્રૂડ બજારમાં પણ થઈ હતી અને ત્યાં મોટે પાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. ડાઉજોન્સમાં ૨૦૦ અંકનો કડાકો જોવા મળ્યો હતો.

સ્પેન, અમેરિકા અને બ્રિટનમાં મોટી સંખ્યામાં મોત નોંધાતા કોરોનાથી મોતનો વૈશ્વિક આંકડો ૫૬ હજારથી વધી ગયો હતો, જ્યારે કોરોનાના કેસ સાડા દસ લાખથી પણ વધી ગયા છે. બીજી તરફ સવા બે લાખથી વધારે દરદી સાજા પણ થયા છે. સ્પેનમાં ૨૪ કલાકમાં જ ૯૦૦ મોત નોંધાયા હતા. બ્રિટનમાં પણ એક દિવસમાં ૫૬૯ મોત નોંધાતા સરકારે નવી કામચલાઉ હોસ્પિટલો ખોલવાની શરૃઆત કરી દીધી હતી.

  • જર્મન સરકારે જણાવ્યું હતુ કે ત્યાં ચેપ લાગવાનો દર જરા ધીમો પડયો છે. ચીની સરકારે જાહેર કર્યું હતુ કે તેઓ ૪થી એપ્રિલનો દિવસ શોક દિવસ તરીકે મનાવશે. એ માટે ૪થી એપ્રિલે સવાલે ૧૦ વાગ્યે આખા ચીનમાં ૩ મિનિટનું મૌન પાળવામાં આવશે અને કોરોનાથી ચીનમાં મૃત્યુ પામેલા ૩૩૦૦થી વધુ લોકોને અંજલિ અપાશે. બીજી તરફ અર્થતંત્રને વેગવંતુ બનાવવા ચીની સેન્ટ્રલ બેન્કે અન્ય બેન્કોને સૂચના આપી છે કે કુલ ૫૬ અબજ ડૉલર જેટલું ફંડ માર્કેટમાં ઠાલવવું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.