પોલીસ, નગરપાલિકા,મહાનગર પાલિકાના સફાઇ-આરોગ્ય, મહેસૂલ વિભાગના કર્મીઓ, સસ્તા અનાજની દુકાનના સંચાલકોનો સમાવેશ.
ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પોલીસ કર્મી, નગર પાલિકા-મહાનગર પાલિકાઓના સફાઇ-આરોગ્ય કર્મી, મહેસૂલ વિભાગના કર્મચારીઓ, અન્ન નાગરિક પુરવઠા વિભાગના, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના સંચાલકો ફરજ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના ભોગ બને અને તેનાથી જીવ ગુમાવે તો તેમના પરિવારને રૃપિયા ૨૫ લાખની સહાય અપાશે.
આ અંગે મુખ્યમંત્રી વિજય રૃપાણીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, ‘કોરોના વાયરસના વધતા વ્યાપ વચ્ચે વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ કાર્યરત્ છે. આવા કર્મચારીઓ જો ફરજ દરમિયાન સંક્રમણનો ભોગ બને તો રાજ્ય સરકાર તેમની પડખે રહેશે. આવી કમનસિબ ઘટનાનો ભોગ બનનારા કર્મીઓને રૃપિયા ૨૫ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાશે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના મહેસૂલી-રેવન્યુ કર્મચારીઓ પણ હાલની કપરી સ્થિતિમાં પોતાની ફરજ બજાવે છે તેમના માટે પણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત હાલની લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના ગરીબ-અંત્યોદય પરિવારો સહિતને જીવનજરૃરિયાત અનાજ, ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડવા કાર્યરત્ અન્ન-નાગરિક પુરવઠા વિભાગના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અંત્યોદય, ગરીબો, પીએચએચ સહિતના કાર્ડધારકોના અનાજ વિતરણ સાથે સંકળાયેલા દુકાનધારકો પણ જો તેમની ફરજ દરમિયાન કોરોના સંક્રમણનો ભોગ બનીને જીવ ગુમાવે તો તેમના પરિવારને પણ રૃપિયા ૨૫ લાખની સહાય અપાશે. ‘
આ ઉપરાંત રાજકોટ-સુરત-વડોદરામાં ખાનગી તબીબોની હેલ્થ સેફ્ટી માટે ૨૦ હજાર એન-૯૫ માસ્ક વિના મૂલ્યે આપવાની પણ સરકારે જાહેરાત કરી છે. આ અંગે મુખ્ય મંત્રીના સચિવે જણાવ્યું કે, ‘કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં જોડાયેલા સરકારી તબીબો-આરોગ્ય રક્ષાકર્મીઓ-પેરામેડિકલ, નર્સ વગેરેની સેવાઓ અતિ આવશ્યક છે. આવા સેવા કર્મીઓના આરોગ્યને કોઇ જોખમ થાય નહીં માટે વિવિધ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. પોતાના દવાખાના-ક્લિનિક હોસ્પિટલમાં આવતા દર્દીઓઓની સારવાર કરતા ખાનગી તબીબોને પણ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મારફત ૨૫ હજાર એન-૯૫ માસ્ક વિના મૂલ્યે આપવા નિર્ણય કર્યો હતો.
હવે મુખ્યમંત્રીએ ગુજરાતના સુરત, રાજકોટ મહાનગરના ખાનગી તબીબો માટે કુલ ૧૫ હજાર એન-૯૫ માસ્ક, વડોદરા શહેરના ખાનગી તબીબો માટે વધુ પાંચ હજાર એન-૯૫ માસ્ક મળી કુલ ૨૦ હજાર એન-૯૫ માસ્ક રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યા પૂરા પાડવા નિર્દેશ અપાયા છે. સમગ્ર ગુજરાતમાં આ સાથે કુલ ૪૫ હજાર એન-૯૫ માસ્ક હાલની સ્થિતિમાં ખાનગી તબીબોને રાજ્ય સરકાર પૂરા પાડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.