પોતાની ટ્રાવેલ-માહિતી છૂપાવતા અને સારવારનો ઇન્કાર કરતા, છત્તીસગઢના કોરબા જિલ્લાના તબલિગી સમાજના સાત સગીરો સહિત ૧૬ લોકો સામે એપિડેમિક ડિસીઝ એકટ અંતર્ગત પ્રથમદર્શી ગુન્હો નોંધાયો છે.
ગઇ તા.૪ એપ્રિલે જેને કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે અને જેને સારવાર માટે રાયપુરની એઇમ્સમાં દાખલ કરાયો છે એવા ૧૬ વર્ષના એક દર્દીનો પણ ઉપરોક્ત જૂથમાં સમાવેશ થાય છે.
આ જૂથમાંની ઓછામાં ઓછી એક વ્યક્તિએ ગયા મહિને દિલ્હીની નિઝામુદ્દીન મસ્જિદમાં યોજાયેલા ધાર્મિક સંમેલનમાં હાજરી આપી હતી. જો કે એણે સત્તાવાળાઓને આ હકીકત જણાવી નહોતી.
અગાઉ, આ ૧૬ વ્યક્તિઓએ સત્તાવાળાઓને કહ્યું હતું કે તેઓ ગઇ તા.૨ માર્ચે નાગપુરથી કોરબા આવ્યા છે.
જો કે તપાસમાં જણાયું છે કે તેઓ ૧૪ માર્ચે કોરબામાં આવ્યા છે.
આ જૂથે જણાવ્યું હતું કે એમના પૈકી કોઇ પણ વ્યક્તિએ ગઇ તા.૮-૯ માર્ચે નિઝામુદ્દીન મસ્જિદમાં યોજાયેલા ધાર્મિક સંમેલનમાં હાજર રહી નહોતી, જ્યારે હકીકત એ છે કે એમનામાંથી એક જણ તો સંમેલનમાં હાજર રહીને પછી જ કોરબા આવ્યો હતો, એમ કોરબાના પોલીસ અધીક્ષક અભિષેક મીનાએ જણાવ્યું.
જે સંમેલનમાં કેટલાક વિદેશી નાગરિકો પણ ઉપસ્થિત હતા એ કાર્યક્રમ, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાવવા માટે મુખ્ય નિમિત્ત બન્યો છે.
આરોગ્ય અધિકારીઓએ જ્યારે ઉપરોક્ત ૧૬ જણના લોહીના નમૂના પરીક્ષણ માટે લેવાનું નક્કી કર્યું ત્યારે એ લોકોએ એનો વિરોધ કર્યો હતો.
આ ૧૬ લોકો આ વિસ્તારમાં રહેતા એમની જાતિના અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હતા અને એમની સાથે ભોજન પણ લીધું હતું, કે જેનાથી ક્વોરેન્ટાઇનની જોગવાઇનો ભંગ થાય છે, એમ અભિષેક મીનાએ ઉમેર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.