અમેરિકામાં વધુ ૬૬ લાખ લોકોએ બેકારી ભથ્થાની માગ કરતા અમેરિકામાં બેકારી ભથ્થું માગનારા લોકોની સંખ્યા વધીને વિક્રમજનક ૧.૬૬ કરોડ થઇ ગઇ છે. જેનો અર્થ થાય છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં દર દસ કર્મચારીઓ પૈકી એક કર્મચારીએ બેરોજગારી ભથ્થાની માગ કરી છે.
બેકારી ભથ્થું માગનારા કર્મચારીઓની આ સંખ્યા ૧૯૪૮ પછીની સૌથી વધુ છે. એક અંદાજ મુજબ ચાલુ મહિનામાં અમેરિકામાં ૨ કરોડ અમેરિકનો નોકરી ગુમાવે તેવી શક્યતા છે.
અમેરિકાના ૪૮ રાજ્યોમાં આવશ્યક સેવાઓ સિવાયના બિઝનેસ બંધ કરી દેવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટ્સ, હોટેલ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને નાના બિઝનેસ બંધ થઇ જવાથી તેના માલિકો પોતાના કર્મચારીઓને પગાર ચુકવી શકે તેવી સ્થિતિમાં નથી. જેના કારણે આ સેક્ટર સાથે સંકળાયેલા કર્મચારીઓની રોજગારી છીનવાઇ ગઇ છે.
છેલ્લા ત્રણ સપ્તાહમાં ૧.૬૬ કરોડ અમેરિકનોએ બેકારી ભથ્થાની માગ કરી છે. જેના કારણે અમેરિકાની સરકારી બજોજગારી કચેરીઓમાં બેકારી ભથ્થું માગનારા કર્મચારીઓની સંખ્યા સતત વધી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં બેકારી ભથ્થું માગનારાઓની સંખ્યા હજુ પણ વધી શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ્યારે એપ્રિલના બેકારીના આંકડા રજૂ કરવામાં આવશે ત્યારે બેકારીનું પ્રમાણ ૧૫ ટકા થઇ જશે તેવી શક્યતા છે.
આ દરમિયન મિયામીમાં બેકારી ભથ્થું મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવાની વેબસાઇટ ક્રેશ થઇ જતાં ફલોરિડા ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક ઓપર્ચ્યુનિટી(ડીઇઓ)ની ઓફિસની બહાર લાંબી લાઇનો જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેકારી ભથ્થું મેળવવા માગતા લોકોના ભારે ઘસારાને કારણે આ વેબસાઇટ હેક થઇ ગઇ હતી. જેના કારણે લોકો ઓફિસની બહાર ઉમટી પડતા લોકોની લાંબી લાઇન જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.