કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનને લઇને એપીએલ-1 કાર્ડ ધારકોને અનાજ વિતરણ વ્યવસ્થાને લઇને પ્રહલાદ મોદીએ ચાબખા માર્યા છે. જેમાં તેઓએ સરકારની અનાજ વિતરણ વ્યવસ્થાને સદંતર નિષ્ફળ ગણાવી છે. તેઓએ રાજ્ય સરકારને પહેલા યોગ્ય પોલીસી બનાવવાની સલાહ આપી છે. જેમાં તેઓએ કહ્યું કે, સીએમ રૂપાણીએ 60 લાખ લોકોને અનાજ આપવાની વાત કરી હતી. જ્યારે અધિકારીઓએ માત્ર 55 લાખ લોકો માટે અનાજ ફાળવ્યુ છે. આ સાથે તેઓએ આધાર કાર્ડની ઝેરોક્ષ લેવાની વાતને લઇને પ્રહાર કર્યા છે કે, દુકાનદારની જવાબદારી નથી આધાર કાર્ડની ઝેરોક્ષ લેવાની. આ સાથે તેઓએ સવાલ કર્યો છે કે, હાલમાં લોકડાઉનના કારણે ઝેરોક્ષની દુકાનો બંધ હોય તો લાભાર્થી કેવી રીતે ઝેરોક્ષ લાવે.
કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના પુરવઠા વિભાગની પત્રકાર પરિષદ યોજાઈ હતી. ત્યારે અશ્વિની કુમારે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 13 એપ્રિલથી એપીએલ કાર્ડ ધરાવતા 60 લાખ લોકોને નિઃશુલ્ક અનાજ આપવાનો પ્રારંભ કરાશે. જે અંતર્ગત 10 કિલો ઘઉં, ચોખા, સરકારે એક વ્યવસ્થા નક્કી કરી છે જે મુજબ 13 એપ્રિલથી 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે.
અશ્વિની કુમારે જણાવ્યું કે, આ અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલે કે 13 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતાથી જળવાઇ રહે તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ એક-એક સમિતીની રચના કરવામાં આવશે. આ સમિતીમાં શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીનો સમાવેશ કરવામાં આવશે. APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ અન્ન નાગરિક પુરવઠા વિભાગને આપેલા છે.
APL-1 રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લા અંક-આંકડા નંબર 1 અને 2 છે તેમને તા. 13 એપ્રિલ, 3 અને 4 છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને 14 એપ્રિલ, 5 અને 6 છેલ્લા આંક ધરાવતા હોય તેને 15 એપ્રિલ તેમજ 7 અને 8 છેલ્લા અંક ધરાવતા APL-1 કાર્ડધારકે 16 એપ્રિલ તેમજ 9 અને 0 છેલ્લો આંક હોય તેવા રેશનકાર્ડ ધારકને 17 એપ્રિલના દિવસે અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે.
મુખ્યમંત્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, APL-1 કાર્ડધારકો તેમના રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ જે તારીખો-દિવસો ફાળવાયા છે તે જ દિવસે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા માટે જાય તે આવશ્યક અને પ્રવર્તમાન સ્થિતિમાં સુરક્ષિત પણ છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, અનિવાર્ય સંજોગોના કારણે જો કોઇ APL-1 કાર્ડધારક આ પાંચ દિવસ દરમિયાન અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તો એવા લાભાર્થીઓને 18 એપ્રિલે અનાજ વિતરણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.