કોવિડ-19 સામે લડવા માટે શ્રી શ્રી રવિશંકરે સરકારને આયુર્વેદિક સુવિધા ખુલ્લી મુકવાની સલાહ આપી

દેશમાં હાલ કોરોના વાયરસ મહામારીનો સામનો કરવા માટે પૂરજોશમાં લડત ચાલી રહી છે. વિશ્વનો કોઈ દેશ હજુ સુધી આ બીમારીનો ઈલાજ શોધવામાં સફળ નથી રહ્યો ત્યારે આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે સરકારને કોરોના સામે લડવા માટે એક સૂચન કર્યું છે. તેમણે કોરોના સામે લડવા માટે સરકારને આયુર્વેદિક સુવિધાઓ ખુલ્લી મુકી દેવા અને દેશભરમાં તેના માધ્યમથી સારવાર શરૂ કરાવવા જણાવ્યું છે.

શ્રી શ્રી રવિશંકરના કહેવા પ્રમાણે “આયુર્વેદ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચીનમાં પણ ભારતની પરંપરાગત ઔષધિઓનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સંજોગોમાં આયુર્વેદના આધારે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર કરવી જોઈએ. આપણા દેશમાં આયુર્વેદના લાખો ડોક્ટર્સ છે અને તેમને કોરોનાના દર્દીઓની સારવાર કરવા કહેવું જોઈએ. સરકાર દર્દીઓની સારવાર માટે આયુર્વેદિક ડોક્ટર્સની મદદ લેશે તો તેનાથી એલોપેથિક ડોક્ટર્સ પરનું ભારણ પણ ઘટી જશે.”
તેમણે મોદી સરકારના લોકડાઉનના નિર્ણયની પ્રશંસા કરી હતી અને ભારતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હોવાનો દાવો કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે અન્ય દેશોની સરખામણીએ આપણી સરકારે ખૂબ ઝડપથી લોકડાઉનનો નિર્ણય લીધો છે. મેડિકલ તૈયારીઓ મામલે પણ ભારતની સ્થિતિ ખરાબ નથી અને આપણે નિષ્પક્ષરૂપથી સારૂ કામ કરી રહ્યા છીએ.
આધ્યાત્મિક ગુરૂએ લોકોને લોકડાઉન સમાપ્તિ બાદ ઉજવણીઓ માટે રસ્તાઓ પર ન ઉતરવા ચેતવણી આપી હતી અને તેનાથી લોકડાઉનનો સંપૂર્ણ ઉદ્દેશ્ય નિષ્ફળ જશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્તમાન સંજોગોમાં વિશ્વના તમામ દેશો કોરોનાની રસી માટે એકબીજા પર નજર રાખી રહ્યા છે અને તેના માટે પ્રયોગો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.