અમેરિકામાં અશ્વેત અમેરિકનોની વસ્તી ધરાવતા દક્ષિણ પ્રાંતમાં કોરોનાનો ફેલાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે તથા ત્યાં વસતા ગરીબ અને અસાધ્ય બીમારીથી પીડાતા આફ્રિકન અમેરિકનો ટપોટપ મરી રહ્યા છે જે એક ચોંકાવનારૂ તારણ છે. કોરોનાનું હોટસ્પોટ ગણાતું દક્ષિણ અમેરિકી રાજ્ય લુસિઆના કોરોનાને જાતિ આધારીત વર્ગીકૃત કરનારૂં પ્રથમ અમેરિકી રાજ્ય બન્યું છે.
રાજ્યપાલ જોન બેલ એડવર્ડ્સની જાહેરાત પ્રમાણે રાજ્યની કુલ વસ્તીમાં આફ્રિકન અમેરિકનોની વસ્તી 33 ટકા જેટલી જ છે પરંતુ મૃતકોમાં તેમની સંખ્યા 70 ટકા જેટલી છે. લુસિઆના રાજ્યના મોટા ભાગના ક્ષેત્રોમાં વાયરસ ફેલાયેલો છે પરંતુ દેશના મહત્તમ પોવર્ટી (ગરીબી) રેટ ધરાવતા અને અશ્વેતોની સૌથી વધારે વસ્તી ધરાવતા ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
જ્યોર્જિયામાં પણ રાજ્યની કુલ વસ્તીમાં 33 ટકા જેટલો ફાળો ધરાવતા આફ્રિકન અમેરિકનો 60 ટકા જેટલા ગોરાઓની સરખામણીમાં વધારે અસરગ્રસ્ત થઈ રહ્યા છે. જ્યોર્જિયાના જાહેર સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે કોરોનાના કુલ 9,901 કેસમાંથી 20 ટકા જેટલા દર્દીઓ અશ્વેત છે અને 15 ટકા ગોરાઓ છે જ્યારે મહત્તમ 64 ટકા જેટલા કેસ અજાણી જાતિઓના છે.
મિસિસિપી દ્વારા દર્દીઓનું જાતિગત વર્ગીકરણ કરવામાં નથી આવ્યું પરંતુ આફ્રિકન અમેરિકન સૌથી વધુ પીડિત હોવાનું માનવામાં આવે છે. જ્યારે અલબામાના જાહેર સ્વાસ્થ્ય વિભાગે રજૂ કરેલા અહેવાલ પ્રમાણે અશ્વેત અને ગોરાઓનો મૃત્યુદર એકંદરે એક સમાન 44 ટકા જેટલો છે પરંતુ છ એપ્રિલ સુધીમાં કુલ 2,000 કેસ નોંધાયા તે પૈકીના માત્ર 37 ટકા જ અશ્વેત છે જ્યારે 50 ટકા જેટલા ગોરાઓ છે. અદ્યતન વસ્તી ગણતરી પ્રમાણે અલબામાની કુલ વસ્તીમાં મહત્તમ 69 ટકા જેટલા ગોરાઓ છે જ્યારે 27 ટકા જેટલા અશ્વેત છે.
દક્ષિણ કેરોલિનામાં કોવિડ-19ના 36 ટકા કેસ આફ્રિકન અમેરિકનોના છે જ્યારે તેની સરખામણીએ ગોરાઓની સંખ્યા 56 ટકા જેટલી છે. જો કે આ આંકડો એક હજાર કેસ હતા ત્યારનો છે અને હાલ કેરોલિનામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,417 જેટલી છે. અમેરિકાની કુલ વસ્તીમાં આફ્રિકન અમેરિકનોનું પ્રમાણ 13 ટકા જેટલું જ છે પરંતુ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા કુલ દર્દીઓમાં તેમનું પ્રમાણ 33 ટકા જેટલું છે.
આ તરફ ઈલ્લિનોઈસ રાજ્યના શિકાગો શહેરમાં કુલ મૃતકો પૈકી આફ્રિકન અમેરિકનોનું પ્રમાણ 68 ટકા છે. અમેરિકામાં આફ્રિકન અમેરિકનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે તેના પાછળ ત્યાંનો માળખાગત જાતિવાદ કારણરૂપ ગણી શકાય. એક અહેવાલ પ્રમાણે અમેરિકામાં અશ્વેત લોકો સાથે સ્વાસ્થ્ય સુવિધાઓના નામ પર ભેદભાવ કરવામાં આવે છે અને ગરીબી વગેરે કારણોસર તેઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર ઉપરાંત હૃદયસંબંધી બીમારીઓથી પીડાતા હોય છે.
નોકરીમાં એક વખત રજા રાખનારના સ્થાને બીજા કોઈની ભરતી કરી દેવામાં આવે છે અને તેઓ મોટા ભાગે પબ્લિક ટ્રાન્સપોર્ટ, નર્સિંગ હોમ, ગ્રોસરી સ્ટોર વગેરે સ્થળોએ કામ કરતા હોય છે જ્યાં ઈન્ફેક્શનનું જોખમ સૌથી વધારે છે અને માટે જ તેમનો મૃત્યુદર ઉંચો આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.