રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 18 કેસ સામે આવ્યા છે. ત્યારે આ સંક્રમણને રોકવા માટે મહાનગર પાલિકા દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા સતત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. તો હવે પોલીસે માસ્ક પહેર્યા વગર બહાર નિકળતા લોકો વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે. રવિવારે મનપા કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સોમવારથી જે કોઈપણ વ્યક્તિ બહાર નિકળશે તેણે માસ્ક પહેરવું ફરજીયાત છે.
માસ્ક ન પહેરનાર લોકોને ફટકાર્યો દંડ
આજે સવારથી રાજકોટમાં જો કોઈ વ્યક્તિ દૂધ, શાકભાજી, કરિયાણા જેવી વસ્તુની ખરીદી કરનવા જાય તો માસ્ક પહેરવું ફરજીયાત હતું. માસ્ક ન હોય તો રૂમાલ કે દૂપટ્ટો પણ બાંધી શકે છે. પરંતુ સવારથી જ અનેક લોકો આ કાયદાનો ભંગ કરતો જોવા મળ્યા હતા. જેથી પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. શહેરમાં અલગ અલગ 60 જગ્યાઓ પર મનપા અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માત્ર 4 કલાકમાં 113 લોકોને પકડીને દંડ ફટકારવામાં આવ્યો છે. તંત્ર દ્વારા 1 લાખ 13 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કર્યું માસ્કનું વિતરણ
રાજકોટ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદય કાનગડે પોતાના ખર્ચે 25 હજાર માસ્ક બનાવીને પોલીસ કર્મીઓ અને મીડિયાકર્મીઓને સુરક્ષા માટે માસ્ક પૂરા પાડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.