સંયુક્ત આરબ અમીરાતે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ત્યાં ફસાયેલા વિદેશી નાગરિકોને સ્વદેશ પરત ન બોલાવનારા દેશો પર આકરા પ્રતિબંધો લાગુ કરવાની યોજના બનાવી છે. એક અહેવાલ પ્રમાણે યુએઈ આવા દેશો સાથેના પોતાના સહયોગ અને શ્રમ સંબંધોને ફરીથી સુનિશ્ચિત કરવા અંગે વિચારણા કરી રહ્યું છે.
યુએઈમાં આશરે 33 લાખ જેટલા ભારતીય પ્રવાસીઓ રહે છે જે દેશની કુલ વસ્તીના 30 ટકા જેટલા છે. યુએઈમાં ભારતીય રાજ્યોમાંથી સૌથી વધુ કેરળના લોકો ત્યાં વસે છે તથા તેના પછીના ક્રમે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના લોકોનો સમાવેશ થાય છે. હાલમાં માનવ સંસાધન અને એમીરેટાઈઝેશન મંત્રાલય પોતાના નાગરિકોને સ્વદેશ ન બોલાવનારા દેશોના શ્રમિકોની ભરતી પર ભવિષ્યમાં આકરા પ્રતિબંધો અને કોટા પ્રણાલી લાગુ કરવા અંગે વિચારી રહ્યા છે. આ ઉપરાંત તેમાં આવા દેશોના સંબંધીત અધિકારીઓ અને મંત્રાલય વચ્ચેના સહમતિ પત્રોને સસ્પેન્ડ કરવાની યોજના પણ સામેલ છે.
ભારતમાં રહેલા યુએઈના રાજદૂત રહમાન અલ બન્નાએ જણાવ્યું કે, હકીકતે યુએઈએ પોતાના ત્યાં ફસાયેલા ભારતીયો અને અન્ય દેશોના નાગરિકોને જો તેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવે તો સ્વદેશ પરત મોકલવાની રજૂઆત કરી છે. યુએઈના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલયે પોતાના દેશમાં ઉપસ્થિત તમામ દેશોના દૂતાવાસોને આ મામલે છેલ્લા બે સપ્તાહમાં પત્ર મોકલેલો છે જેમાં ભારતીય દૂતાવાસનો સમાવેશ પણ થાય છે. સાથે જ ભારતના વિદેશ મંત્રાલયને પણ તેનાથી માહિતગાર કરવામાં આવેલું છે.
બન્નાના કહેવા પ્રમાણે યુએઈએ સ્વદેશ પરત ફરવા માંગતા લોકોનો રિપોર્ટ કરવા રજૂઆત કરી છે અને તેમના પાસે સર્વશ્રેષ્ઠ સુવિધા, તપાસ કેન્દ્રો હોવાનું આશ્વાસન આપ્યું છે. યુએઈમાં પાંચ લાખથી પણ વધારે લોકોની તપાસ કરવામાં આવી છે અને કેટલાક કારણોથી યુએઈમાં ફસાયેલા લોકોને વિમાન દ્વારા પરત મોકલવાનો વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે. ભારતમાં વિમાન મથકો બંધ હોવાના કારણે અને લોકડાઉનના કારણે કેટલાક લોકો ફસાઈ ગયા છે જ્યારે અમુક લોકો મુસાફરી અર્થે ત્યાં આવેલા હતા.
જે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને યુએઈમાં જ રાખીને તેમની સારવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેરળ ઉચ્ચ ન્યાયાલયે શનિવારે કેન્દ્ર સરકાર પાસે ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા નિર્દેશ જાહેર કરવાની માંગ કરતી અરજીનો જવાબ માંગ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.