જાપાન દરેક નાગરિકને 1 લાખ યેન આપશે, અમેરિકા ટ્રમ્પનું નામ લખેલા ચેક વહેંચશે!

– અર્થતંત્રને ધમધમતું રાખવા મહાસત્તાઓની મથામણ

 

જાપાને દરેક નાગરિકને ૧ લાખ યેન આપવાની વિચારણા રજૂ કરી છે. કોરોનાને કારણે ધીમું પડેલું અર્થતંત્ર ફરીથી બેઠું થાય એટલા માટે આ આયોજન જાપાની વડા પ્રધાન શિન્જો આબેએ પોતાના સાથી મંત્રીઓ સમક્ષ રજૂ કર્યું હતું. જો આ આયોજન મંજૂર થશે તો જાપાન સરકાર પર ૧૨ ટ્રિલિયન યેનનું ભારણ આવશે. અમેરિકાએ પહેલા જ જાહેરાત કરી હતી કે કોરોનાને કારણે બેકાર થયેલાને ૧૨૦૦ ડૉલરની રકમ અપાશે. હવે એ રકમના ચેક પર ટ્રમ્પનું નામ લખવાને પણ અમેરિકી સરકારે મંજૂરી આપી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં સવા બે કરોડ નાગરિકોએ બેકારી ભથ્થાંની અરજી કરી છેે.

અમેરિકી રેવન્યુ વિભાગે જણાવ્યુ હતું કે લાખો ચેક તૈયાર કરવાના છે, તેની પ્રિન્ટિંગ કામગીરી ચાલે છે. એ ચેક પર ટ્રમ્પે પોતાની સહી હોય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ એ શક્ય નથી. માટે ચેક પર ટ્રમ્પનું નામ છપાય એવી જોગવાઈ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ચેકનું વિતરણ શરૂ કરવામાં આવશે. કોઈ પ્રમુખના નામ સાથે સહાયના ચેક વિતરણ થતા હોય એવી અમેરિકાના ઇતિહાસની સંભવતઃ આ પ્રથમ ઘટના છે.

જાપાને અગાઉ નક્કી કર્યું હતું કે જેમની આવક ૩ લાખ યેનથી ઓછી હોય તેને સહાય આપવી. પરંતુ હવે જાપાની સરકારે આવકનો માપદંડ ધ્યાને લીધા વગર દરેક નાગરિકને સહાય કરવાનું મન બનાવ્યું છે. અલબત્ત, એ અંગેનો અંતિમ નિર્ણય હજુ લેવાનો બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.