દેશમાં 24 કલાકમાં 47નાં મોત, 1712 નવા કેસ

 

– લૉકડાઉનમાં આજથી રાહત : કૃષિ, સર્વિસ સહિતના ક્ષેત્રોમાં કામ શરૂ થશે

 

– તેલંગાણામાં લૉકડાઉન લંબાવાયું, દિલ્હીમાં છૂટછાટનો ઈનકાર, મહારાષ્ટ્રમાં ગ્રીન-ઓરેન્જ ઝોનમાં રાહત અપાશે

– મૃત્યુઆંક ૫૬૫, કુલ કેસ ૧૭,૦૨૯

– કેન્દ્રનો યુ-ટર્ન : હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ટીવી, ફ્રિજ, મોબાઈલ જેવી બીન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૭ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૫૬૫ થયો છે. કોરોનાના નવા ૧૭૧૨ કેસ સાથે કુલ કેસની સંખ્યા ૧૭૦૨૯ થઈ ગઈ છે. દેશમાં ૨૬૨૧ લોકો સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.બીજી બાજુ કોરોના વાઈરસ સામેની લડતમાં લૉકડાઉનના બીજા તબક્કામાં સોમવારથી ગ્રામીણ અને સેઝ વિસ્તારોમાં કૃષિ, આઈટી, બાંધકામ, ઉત્પાદન, ઔદ્યોગિક એકમો સહિતના સેક્ટર્સમાં કામકાજ શરૂ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગ્રામીણ વિસ્તારોમાં કમર્શિયલ અને ખાનગી એકમોને પણ કામકાજની મંજૂરી અપાઈ છે. વધુમાં સોમવારથી કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓફિસો શરૂ થશે. કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને પણ કામકાજની મંજૂરી આપી છે, પરંતુ રીટેલર્સના વિરોધના પગલે ઈ-કોમર્સ કંપનીઓને બીન આવશ્યક ચીજોના વેચાણની મંજૂરી કેન્દ્ર સરકારે પાછી ખેંચી લીધી છે.

હવે ઈ-કોમર્સ કંપનીઓ લૉકડાઉનના સમયમાં ટીવી, ફ્રિજ, એસી, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેવી બીનઆવશ્યક વસ્તુઓનું વેચાણ નહીં કરી શકે.  દરમિયાન કોરોનાના હોટસ્પોટ વિસ્તારોમાં લૉકડાઉનનો કડકાઈપૂર્વક અમલ ચાલુ રહેશે.  સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ૨૩ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૫૪ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોના વાઈરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. છેલ્લા ૨૮ દિવસમાં પુડુચેરીના માહે અને કર્ણાટકના કોડાગુમાં કોઈ નવો કેસ નોંધાયો નથી.

આઈસીએમઆરના રમણ આર. ગંગાખેડકરે જણાવ્યું હતું કે અમે અત્યાર સુધીમાં ૩,૮૬,૭૯૧ પરીક્ષણ કર્યા છે. ગઈકાલે ૩૭,૧૭૩ પરીક્ષણ કરાયા હતા, તેમાંથી ૨૯,૨૮૭ના પરીક્ષણ આઈસીએમઆર નેટવર્કની લેબોરેટરીમાં કરાયા હતા જ્યારે બાકીના ૭,૮૮૬ પરીક્ષણ ખાનગી લેબોરેટરીમાં થયા હતા. વડાપ્રધાન મોદીએ લૉકડાઉનના બીજા તબક્કાની જાહેરાત કરતી વખતે ૨૦મી એપ્રિલથી કેટલાક નિયંત્રણો સાથે લૉકડાઉનમાં રાહત આપવાની જાહેરાત કરી હતી, જેને પગલે રાજ્યોએ લૉકડાઉનના પગલે બંધ થઈ ગયેલા અર્થતંત્રને ગતિ આપવા માટે મર્યાદિત વ્યાપારિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.

જોકે, દિલ્હીમાં કોવિડ-૧૯ની સ્થિતિ ગંભીર બની રહી હોવાના કારણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લૉકડાઉ નમાં કોઈપણ છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે એક સપ્તાહ પછી સ્થિતિની સમિક્ષા કર્યા પછી વ્યાવસાયિક કામગીરી શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. બીજીબાજુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં મર્યાદિત નિયંત્રણો સાથે વ્યાવસાયિક પ્રવૃત્તિઓને કામકાજની મંજૂરી અપાશે. કેન્દ્રીય મંત્રી જાવડેકરે જણાવ્યું હતું કે સોમવારથી ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપાવના આશયથી લૉકડાઉન વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં છૂટછાટો આપવામાં આવી છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં શહેરોમાં પણ લૉકડાઉન પૂરું થતાં સુધીમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ શરૂ થશે.

કેન્દ્ર સરકારે ૨૦મી એપ્રિલથી ઈ-કોમર્સ કંપનીઓને મોબાઈલ ફોન, રેફ્રિજરેટર્સ અને રેડી-મેડ ગાર્મેન્ટ્સ જેવા ઉત્પાદનોના વેચાણની મંજૂરી આપી હતી. પરંતુ દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને રીટેલર્સ દ્વારા પણ સરકારના આ નિર્ણયનો આકરો વિરોધ કરવામાં આવતાં કેન્દ્ર સરકારે આ બાબતમાં યુ-ટર્ન લીધો હતો અને ઈ-કોમર્સ કંપનીઓને અપાયેલી આ છૂટછાટો પાછી ખેંચી લીધી હતી. આમ, ઈ-કોમર્સ કંપનીઓ હવે બીન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ નહીં કરી શકે તેમ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આ સંદર્ભમાં રાજ્યના સચિવોને નવી માર્ગદર્શિકા મોકલી અપાઈ છે.

લૉકડાઉનના આ સમયમાં અનેક રાજ્યોમાં સેંકડોની સંખ્યામાં પ્રવાસી કામદારો પોતાના વતન કરતાં બીજા રાજ્યોમાં ફસાયા છે. આ કામદારો અંગે ગૃહમંત્રાલયે માર્ગદર્શિકા અથવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (એસઓપી) જાહેર કરી છે, જે મુજબ કોઈપણ કામદારને પોતે હાલ જે રાજ્યમાં છે ત્યાંથી બીજા રાજ્યમાં જવાની મંજૂરી નથી, પરંતુ રાજ્યની અંદર જ તેમના પરિવહન અંગે કેટલાક નિયમો જાહેર કરાયા છે. સરકારે નિર્ણય કર્યો છે કે આ ફસાયેલા કામદારોનો ઉપયોગ ઈન્ડસ્ટ્રી, કૃષિ, બાંધકામ અને અન્ય કામોમાં કરી શકાય છે.

કયા  ક્ષેત્રોમાં લૉકડાઉન ખૂલશે

દેશના ઠપ્પ થઈ ગયેલા અર્થતંત્રને ગતિ આપવા માટે સોમવારથી ગ્રામીણ અને સેઝ વિસ્તારોમાં કૃષિ, બાંધકામ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી), ઔદ્યોગિક એકમો, મેન્યુફેક્ચરિંગ અને ઈ-કોમર્સ કંપનીઓને કામકાજની છૂટ અપાઈ છે. ઉપરાંત સ્વ-રોજગારી ધરાવતા ઈલેક્ટ્રિશિયન, ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) રીપેર્સ, પ્લમ્બર્સ, મોટર મિકેનિક્સ, મિસ્ત્રીનું કામ કરતા લોકોને પણ કામ કરવાની મંજૂરી અપાઈ છે. વધુમાં હાઈવેના ‘ઢાબા’, ટ્રક રીપેરિંગની દુકાનો અને સરકારી પ્રવૃત્તિઓ માટે કોલ સેન્ટર્સને પણ કામકાજની છૂટ અપાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.