કોરોના પોઝિટિવ કેસોમાં સુરત આગળ નિકળ્યું, આજે સૌથી વધારે કેસ નોંધાયા

કોરોના રાજ્યમાં કાળો કેર વર્તાવી રહ્યો છે દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. રાજ્યમાં આજે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા બે હજારના પાર થઈ ગઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા મહાનગરોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે આજે સુરત પોઝિટિવ કેસોમાં આગળ નિકળ્યું છે.
સુરત શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. સુરતમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાથી 5 લોકોના મોત થતાં શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના લાલગેટ ખાતે આવેલા ખાટકીવાડમાં રહેતી મહિલાનું મોત નિપજ્યું હતું. તેમને ડાયાબીટીસ, હૃદય તેમજ કીડનીની બીમારી હતી.
બીજા કેસમાં માનદરવાજા ખાતે રહેતા અન્ય એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. તેઓ ગત્ 18 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોટસ્પોટ બની ગયેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં કુલ કેસનો આંકડો બે હજારને પાર
ગુજરાતમા કોરોનાના વધુ 127 કેસ નોંધાયા છે. તો વધુ છ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં પાંચ અને ભાવનગરના એક દર્દીનુ મોત થયુ છે. આમ રાજયમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 77એ પહોંચ્યો છે. તો નવા 127 કેસની સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2066 પર પહોંચ્યો છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ સુરતમાં 69 કેસ અને અમદાવાદમાં 50 કેસ નોંધાયા છે. જ્યારે કે અરવલ્લી, ગીર સોમનાથ, ખેડા, તાપીમાં એક એક કેસ નોંધાયો છે. જયારે કે રાજકોટ અને વલસાડમાં નવા બે કેસ નોંધાયા છે. કુલ 2066 કોરોનાના કેસમાંથી 19 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
131 કોરોનાના દર્દીઓ સાજા
જ્યારે કે અત્યાર સુધી કુલ 131 કોરોનાના દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ કરાયા છે. વીતેલા 24 કલાકમાં 3,339 ટેસ્ટ કરાયા છે. જેમાં 215 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 35,543 લોકોના ટેસ્ટ કરાયા છે. જેમાંથી 2066 પોઝિટિવ આવ્યા છે. રાજયમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદમાં 1298 કેસ નોંધાયા છે. તો કુલ 77 મૃત્યુમાથી સૌથી વધુ મોત 43 પણ અમદાવાદમાં નોધાયા છે. અમદાવાદમા બાદ સુરતમાં સૌથી વધુ 338 કેસ તો વડોદરામાં 188 કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.