કોરોનાની લડતમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ સહિત 15 જિલ્લા અતિ જોખમી, કોરોનાના સૌથી વધુ કેસ

 

દેશમાં કોરોનાવાઈરસ સામેની લડત વચ્ચે મોદી સરકારે રવિવારે ટોચના સ્તરે અમલદારોની બદલી કરતાં સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદાનનો કાર્યકાળ ૩૦મી એપ્રિલ પછી ૩ મહિના માટે લંબાવ્યો છે. ઉપરાંત ઝારખંડ કેડરના અધિકારી અમિત ખરેને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં પુનઃ સચિવ પદે ખસેડવામાં આવ્યા છે તેમજ પીએમઓના અધિક સચિવ તરુણ બજાજ આર્થિક બાબતોના વિભાગના સચિવ તરીકેનો હોદ્દો સંભાળશે. ગુજરાતમાંથી અનિતા કરવાલ સહિતના અધિકારીઓની કેન્દ્રમાં બદલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ટોચના સ્તરના અમલદારોની આ બદલીમાં ૨૩ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે.

દેશમાં કોરોના મુદ્દે વિચિત્ર સ્થિતિ સર્જાઈ રહી છે. એકબાજુ ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજીબાજુ કોરોનાનો રિકવરી રેટ સુધી રહ્યો છે અને વધુ ને વધુ જિલ્લા કોરોના મુક્ત થઈ રહ્યા છે. આ સમયમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા ૧૫ શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈનો સમવોશ થાય છે. કાંતે જણાવ્યું કે દેશમાં કોરોના સામેની લડાઈની સફળતાનો આધાર આ શહેરોમાં કોરોના પર નિયંત્રણ મેળવવા પર રહેશે.

નીતિ આયોગે જાહેર કરેલી યાદીમાં ૧૫ જિલ્લાઓમાંથી સાતમાં સૌથી વધુ કેસ છે. જેમ કે, તેલંગાણાના હૈદરાબાદ, મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે, રાજસ્થાનના જયપુર, મધ્ય પ્રદેશના ઈન્દોર, ગુજરાતના અમદાવાદ અને દિલ્હીનો સમાવેશ થાય છે. ઉપરાંત કોરોનાના કેસની ગંભીર સ્થિતિ હોય તેવા અન્ય જિલ્લાઓમાં ગુજરાતના વડોદરા અને સુરત, આંધ્ર પ્રદેશના કુર્નૂલ, મધ્ય પ્રદેશના ભોપાલ, રાજસ્થાનના જોધપુર, ઉત્તર પ્રદેશના આગ્રા, મહારાષ્ટ્રના થાણે અને તામિલનાડુના ચેન્નઈનો સમાવેશ થાય છે.

કાંતે એક ટ્વીટ કરતાં જણાવ્યું કે, આ ૧૫ જિલ્લા કોરોના સામેની આપણી લડાઈમાં સૌથી મહત્વના છે, તેમાંથી ૭ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. આપણે આ જિલ્લાઓમાં આક્રમક્તાપૂર્વક નિરિક્ષણ, પરિક્ષણો અને સારવાર પર ધ્યાન આપવું જોઈએ અને લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવવું જોઈએ. આપણે કોરોના સામે જીતવું હશે તો આ જિલ્લાઓમાં કોરોનાનો પ્રસાર અટકાવવો પડશે.

સરકારે ૨૯મી માર્ચે કોરોના સામે લડવા પગલાં લેવા અને અર્થતંત્રને ફરીથી પાટા પર લેવા માટે સૂચન કરવા ૧૧ એમ્પાવર્ડ ગૂ્રપ્સ બનાવ્યા હતા. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત એમ્પાવર્ડ ગૂ્રપ (ઈજી-૬)ના વડા છે. આ ગૂ્રપ ખાનગી ક્ષેત્રની એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકલન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.