“રાહુલ ગાંધી બેંક ડિફોલ્ટર અને લોન માફી મામલે મનમોહન સિંહની સલાહ લઈને રાઈટ ઓફ શું છે તે જાણે
લોનમાફી મામલે કોંગ્રેસના સવાલો પર નાણાંમંત્રી નિર્મલા સીતારામણે પોતાના આકરા તેવર દેખાડ્યા છે. તેમણે તબક્કાવાર ટ્વિટ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ક્લાસ લીધો હતો. તેમણે જણાવ્યું કે, 2009થી 2014 દરમિયાન 1.45 લાખ કરોડ રૂપિયા માંડવાળ ખાતે (રાઈટ ઓફ) જવા દેવામાં આવ્યા હતા. આ અંગે ટીખળ કરતા તેમણે કહ્યું કે, બેંક ડિફોલ્ટર અને લોન માફી મામલે કાશ રાહુલ ગાંધી મનમોહન સિંહની સલાહ લેતા કે રાઈટ ઓફ શું હોય છે.
કોંગ્રેસે લગાવ્યા હતા આરોપ
હકીકતે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, મોદી સરકારે 68,607 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે અને જેમની લોન માફ કરવામાં આવી છે તેમાં નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યાના નામ પણ સામેલ છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મેં સંસદમાં 50 મોટા બેંક ચોરના નામ પુછ્યા હતા ત્યારે નાણાંમંત્રીએ જવાબ નહોતો આપ્યો અને હવે આરબીઆઈએ મેહુલ ચોક્સી, નીરવ મોદી સહિત ભાજપના મિત્રોને બેંક ચોરની લિસ્ટમાં નાખ્યા છે.
નાણાંમંત્રીનો જવાબ
નિર્મલા સીતારામણે જણાવ્યું કે, ચાલુ વર્ષે માર્ચ મહીના દરમિયાન પાંચ કરોડ રૂપિયાથી ઉપરના વિલફુલ ડિફોલ્ટરની બેંકવાઈઝ ડિટેલ્સ સંસદમાં રજૂ કરવામાં આવી હતી. તેમાં જેના પૈસા બાકી છે અને જેને રાઈટ ઓફ કરવામાં આવ્યા તેમના નામ પણ સામેલ છે. કોંગ્રેસી નેતા ડિફોલ્ટર મામલે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, NPA માટે RBIએ ચાર વર્ષનું પ્રોવિઝન કર્યું, રાઈટ ઓફની ફુલ પ્રોવિઝનિંગ કર્યા બાદ જ એનપીએને રાઈટ ઓફ કરવામાં આવ્યા પરંતુ તેમ છતા રિકવરી માટે પ્રયત્નો થઈ રહ્યા છે અને કોઈ દેવું માફ નથી કરાયું.
ડિફોલ્ટર શબ્દને વ્યાખ્યાયિત કરતા સીતારામણે જણાવ્યું કે, જે લોન ન ચુકવી રહ્યા હોય તે ડિફોલ્ટર્સ છે. બેંકની મંજૂરી વગર પોતાની પ્રોપર્ટી વેચી દે તે ડિફોલ્ટર છે. ત્યાર બાદ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, આ ડિફોલ્ટર્સ યુપીએની ફોન બેંકિંગ સાથે સંબધ ધરાવતા પ્રમોટર્સ છે. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજનની વાતનો ઉલ્લેખ કરતા નાણાંમંત્રીએ જણાવ્યું કે, 2006થી 2008 દરમિયાન મોટા પ્રમાણમાં ડિફોલ્ટ કરવાની હિસ્ટ્રી ધરાવતા અને ઉંચી પહોંચવાળાઓને બેડ લોન અપાઈ. તેમ છતા પબ્લિક સેક્ટર બેંક તેમને લોન આપતી રહી. હકીકતે પ્રાઈવેટ સેક્ટર બેંક્સ આવી સ્થિતિમાંથી બહાર નીકળી રહી હતી અને આરબીઆઈ તે સમયે લોન આપવાની ગુણવત્તા પર એલર્ટ કરી શકતી હતી.
મોદી, ચોક્સી અને માલ્યાના કેસની ડિટેઈલ આપતા તેમણે જણાવ્યું કે, આ ત્રણેય કેસમાં 18,332.7 કરોડ રૂપિયાની પ્રોપર્ટી અટેચ કે જપ્ત કરવામાં આવી છે. સાથે જ મેહુલ ચોક્સીને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જ્યારે માલ્યાને ભાગેડુ ઘોષિત કરી દેવાયો છે. વધુમાં તેમણે મોદી સરકારે વિલફુલ ડિફોલ્ટર્સનો પીછો કરીને 3,515 લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી અને રિકવરી માટે 9,967 કેસ ચલાવ્યા વગેરે માહિતી આપીને સરકાર વિલફુલ ડિફોલ્ટર વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી રહી છે તેમ સાબિત કરવા પ્રયત્ન કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.