અમદાવાદમાં વોરિયર્સને કોરોના હશે તો ફાઈવસ્ટાર હોટલમાં ફ્રી સારવાર કરાવાશે: વિજય નેહરા

કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, લોકડાઉનનું પાલન થાય તો કોરોનાના કેસ ઘટી શકે છે. 14 દિવસના લોકડાઉનનું યોગ્ય રીતે પાલન થશે તો જોઈએ તેવા પરિણામો મળશે. પહેલા બે લોકડાઉનમાં જે સફળતા મેળવી તેવી જ રીતે ત્રીજા લોકડાઉનનું પણ પાલન કરીએ. સંપૂર્ણપણે ઘરમાંથી ન નીકળીએ, માસ્ક પહેરી રાખવાનું, થૂંકવુ નહિ. જો 14 દિવસ સુધી 100 ટકા લોકડાઉનનું પાલન કરીશુ તો મે મહિનાના અંત સુધીમાં સંક્રમણ ઘટી શકે.

કોરોનાના કપરા કાળમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને ફ્રન્ટ લાઈન પર કામ કરતા વોરિયર્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આ માહિતી આપતા તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ફ્રન્ટ લાઈન પર કામ કરતા કોરોના વોરિયર્સ કર્મચારીઓને ચેપ લાગે તો સારવાર પણ સર્વશ્રેષ્ઠ મળે અને કેર તેમજ મેનેજમેન્ટ સારામાં સારૂ મળે તેવો નિર્ણય એએમસી દ્વારા લેવાયો છે.

આવા કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવે તો તેઓની ફોર સ્ટારને ફાઈવ સ્ટાર હોટલમાં નિ:શુલ્ક સારવાર કરાવવામાં આવશે. તેમનો તમામ ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા ભોગવશે. જેનાથી કોરોના વોરિયર્સનું મનોબળ વધશે. આગામી સમયમાં તેઓને કોરોના પોઝિટિવ થાય તો તેમની સારવાર અને સંભાળ ઉત્કૃષ્ઠ હશે તો તેમનુ મનોબળ અને ઉત્સાહ વધશે.

અમદાવાદમાં આજે નવા કેસ અંગેની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદમાં ગઈકાલે 267 નવા કેસ આવ્યા છે. તો કુલ મૃત્યુ ગઈકાલે 16 થયા છે. આ ઉપરાંત ગઈકાલે 62 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. આજે સવારે કુલ એક્ટિવ કેસની સંખ્યા અમદાવાદમાં 2659 કેસ પર પહોંચી છે. જેમાંથી 41 વેન્ટીલેટર પર છે અને 2618 સ્ટેબલ છે.

સેમ્પલ લેવાની ટેસ્ટ લેવાની કામગીરી 27 હજાર પર પહોંચી છે. 2038 રેપિડ ટેસ્ટ સાથે કુલ 29324 ટેસ્ટ થયા છે. આજે મોડી સાંજ સુધી અમદાવાદમાંથી 5000થી વધુ કોરોના દર્દી ડિસ્ચાર્જ થાય તેવી શક્યતા છે. વધુ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત જઈ રહ્યાં છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ગોમતીપુર વિસ્તારમાં આવેલી અલ અમીન હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે. આ સુવિધા એક રાતમાં જ ઉભી કરાઈ છે. અહીં 100 બેડની હોસ્પિટલ ઉભી કરાઈ છે. આમ, હવે આ કોવિડ કેર સેન્ટરમાં ગોમતીપુરના દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામા આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.