દેશની રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. શનિવારે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડિંગના 41 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. કાપસહેડા વિસ્તારની ‘ઠેકે વાલી ગલી’માં એક જ બિલ્ડિંગમાં મળી આવેલા 41 કોરોના દર્દીઓ માટે ગીચ વસ્તીને કારણ બતાવવામાં આવી રહ્યું છે.
દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ડીએમ રાહુલસિંહે રવિવારે કહ્યું હતું કે, એક જ બિલ્ડિંગમાં જે 41 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા તે બધા એક જ શૌચાલયનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં નાના મકાનો છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો રહે છે. ડીએમના જણાવ્યા અનુસાર, જે બિલ્ડિંગમાં 41 કોરોના દર્દીઓ મળી આવ્યા છે ત્યાં લગભગ 200 લોકો રહે છે.
નાના મકાનો અને ગીચ વસ્તીના કારણે સામાજિક અંતરનું પાલન જોવા ન મળ્યું. તે જ સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે જે 41 લોકોને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે તે બધાનો આજે ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. આ સિવાય કાપસહેડા વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે.
કોરોનાનો પહેલો કેસ 18 એપ્રિલના રોજ દિલ્હીના કાપસહેડા વિસ્તારની એક બિલ્ડિંગમાં થયો હતો. ગીચ વસ્તી હોવાને કારણે વહીવટીતંત્રે 19 એપ્રિલના રોજ આ વિસ્તાર સીલ કરી દીધો હતો. આ પછી 20 એપ્રિલે અહીંથી 95 લોકોના ટેસ્ટ લેવામાં આવ્યા હતા અને 21 એપ્રિલે 80 લોકોના ટેસ્ટ નોએડાના એનઆઈબી લેબ પર કોરોનાની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. કુલ મળીને 175 લોકોના સેમ્પલમાંથી 67 લોકોનો રિપોર્ટ શનિવારે આવ્યો હતો. જેમાંથી 41 લોકોને કોરોના ચેપ લાગ્યો છે. જોકે કેટલાક લોકોના રિપોર્ટ હજુ પણ આવવાના બાકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.