રશિયા પર કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, બીમારીની પેટર્ન છે ચોંકાવનારી

દરરોજ 40,000 ટેસ્ટ થઈ રહ્યા છે, સંક્રમિત લોકોમાં કોઈ લક્ષણો ન હોવાથી તે એક મોટો પડકાર બન્યો

 

ચીન, અમેરિકા, સ્પેન અને ઈટાલી બાદ કોરોના વાયરસ હવે રશિયાને નિશાન પર લઈ રહ્યું છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં એટલે કે, રવિવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. માત્ર એક જ દિવસમાં કોરોનાના 10,633 કેસ સાથે તે રશિયાનો કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાનો રેકોર્ડ છે. આ સાથે જ રશિયામાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1,34,687 થઈ ગઈ હતી.

કોરોના સંક્રમણ મામલે રશિયા હાલ વિશ્વમાં સાતમા ક્રમે છે. રશિયામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 1,280 લોકોના મોત થયા છે પરંતુ અમેરિકા, સ્પેન અને ઈટાલી જેવા દેશોની સરખામણીએ રશિયામાં બીમાર લોકોની તુલનાએ મૃતકઆંક ખૂબ જ ઓછો છે. જો કે, રવિવારે રશિયામાં કોરોનાના કારણે 58 લોકોના મોત થયા છે. રશિયાની રાજધાની મોસ્કોની સ્થિતિ સૌથી ખરાબ છે અને ત્યાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ છે જેથી ચિકિત્સા પ્રણાલી ગંભીર સંઘર્ષનો સામનો કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે મોસ્કોમાં દરરોજ 1,700 લોકો ભરતી થઈ રહ્યા છે.

મોસ્કોના મેયરે રાજધાનીના બે ટકા એટલે કે, 2.50 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી. મોસ્કોમાં રવિવારે કોરોનાના 5,948 દર્દીઓ સામે આવ્યા હતા અને તે સાથે જ શહેરમાં કુલ દર્દીઓની સંખ્યા 68,606 થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લોકોને મહામારીનો સૌથી ખરાબ તબક્કો બાકી છે માટે સુરક્ષિત રહો તેવી ચેતવણી આપી હતી. જ્યારે મોસ્કોમાં લોકડાઉનના કડકાઈપૂર્વકના પાલનના કારણે 1.20 કરોડ જેટલા લોકો ઘરોમાં બંધ છે.

રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિન તાજેતરમાં જ કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે શુક્રવારે અન્ય વરિષ્ઠમંત્રી વ્લાદિમીર યાકુશેવ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રશિયન સરકાર દરરોજ 40,000 જેટલા ટેસ્ટ કરી રહી છે અને જે લોકો સંક્રમિત આવે છે તેમનામાં કોઈ લક્ષણો નથી દેખાતા જે એક પડકાર છે. આ તરફ પુતિને દેશમાં પ્રોટેક્ટિવ કિટની તંગીને લઈ ચિંતા પણ વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.