ના કોઇ પ્લાન- ના કોઇ પેકેજ, લોકડાઉન-3 બાદ શું? : સોનિયા ગાંધી

– સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું

– કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સોનિયાએ બેઠક કરી

કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કૉંગ્રેસ શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલાય નેતાઓ હાજર રહ્યા. આ દરમિયાન સોનિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

સોનિયા ગાંધીએ કહ્યુ કે 17મે બાદ શું? 17 મે બાદ કેવી રીતે? મોદી સરકાર પાસે લૉકડાઉનને લઇને આગળની શું વ્યૂહરચના છે?

કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે કોવિડ સાથેની લડતમાં વૃદ્ધ લોકો, ડાયાબિટિક અને હાર્ટના દર્દીઓનું બચવુ મહત્વપૂર્ણ છે, ત્યારે ભૂતપૂર્વ નાણાંમંત્રી પી.ચિદંબરમે કહ્યુ કે રાજ્યો સામે નાણાંકીય સંકટ વધી રહ્યુ છે, કેન્દ્ર સરકાર તરફથી કોઇ નાણાં ફાળવવામાં આવી રહ્યા નથી.

બેઠકમાં રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર પાસે રાહત પેકેજની માંગણી કરી છે. રાજસ્થાનના સીએમ અશોક ગહલોત, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ અને પુડુચેરીના સીએમ નારાયણસામીએ રાહત પેકેજની માંગણી કરી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું, જ્યાં સુધી વ્યાપક પ્રોત્સાહન પેકેજ ન આપવામાં આવે ત્યાં સુધી રાજ્ય અને દેશ કેવી રીતે ચાલશે? આપણે 10 હજાર કરોડની આવક ગુમાવી દીધી છે. રાજ્યોએ પેકેજ માટે વારંવાર વડાપ્રધાનને વિનંતી કરી છે પરંતુ અમારી વાતને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું, જેમ કે સોનિયા જી કહી રહ્યા છે કે લોકડાઉન 3.0 પછી શું? અમે પણ જાણવા માંગીએ છીએ કે સરકાર પાસે આગળનો શું પ્લાન છે. રાજ્યના મુખ્યમંત્રીઓને લૉકડાઉનના ત્રીજા તબક્કા બાદની વ્યૂહરચના ખબર હોવી જોઇએ.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિહે લોકડાઉન પર કેન્દ્રના અભિગમની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે અમે બે સમિતિઓનું નિર્માણ કર્યુ છે, એક લોકડાઉનના એક્ઝિટ પ્લાન માટે અને બીજી આર્થિક બાબતોમાં વ્યૂહરચના બનાવવા માટે. દિલ્હીમાં બેઠા લોકો માહિતી વગર ઝોન વર્ગીકરણનો નિર્ણય કરી રહ્યા છે.

છત્તીસગઢના સીએપ ભૂપેશ બધેલે કહ્યુ કે રાજ્ય ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેમણે તાત્કાલિક સહાયતા આપવાની જરૂર છે. છત્તીસગઢ એક એવું રાજ્ય છે, જ્યાં 80 ટકા લઘુ ઉદ્યોગ ફરીથી શરૂ થઇ ગયા છે અને લગભગ 85,000 શ્રમિક કામ પર પરત આવી ગયા છે.

પંજાબની જેમ જ પુડુચેરીએ ઝોનના વર્ગીકરણ પર ટીકા કરી છે. મુખ્યમંત્રી નારાયણસામીએ કહ્યુ, રાજ્ય સરકારોની સલાહ વગર ભારત સરકાર ઝોનનું વર્ગીકરણ કરી રહી છે. દિલ્હીમાં બેઠા લોકો રાજ્યોની પરિસ્થિતિ જણાવી શકે નહીં. ઝોનની વહેંચણીમાં કોઇ પણ રાજ્ય અથવા મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં નથી આવતી. કેમ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.