નમૂના લેબમાં મોકલતી વખતે તે બકરી અને ફળના હોવાનું ગુપ્ત રખાયું હતુ
વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી પ્રભાવિત પૂર્વીય આફ્રિકી દેશ તાંઝાનિયામાં ચીની ટેસ્ટિંગ કિટ વડે પરીક્ષણ કરવામાં આવતા બકરી અને ફળ પણ કોરોનાથી સંક્રમિત જણાયા હતા. આ પ્રકારના પરિણામો સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ તપાસ કિટની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યો હતો અને તેની તપાસ માટે આદેશ આપ્યો હતો.
તાંઝાનિયામાં બકરી અને એક ખાસ ફળની તપાસ બાદ તેના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ તે ફળ અને બકરીના નમૂના છે તે વાત ગુપ્ત રાખવામાં આવી હતી. જ્યારે નમૂનાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, તેમણે તાંઝાનિયાના સુરક્ષા દળોને કિટની ગુણવત્તાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પરિણામનો અર્થ એવો થાય કે, કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવતા હતા પરંતુ હકીકતમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત નહોતા.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, “મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે ચીનની તમામ સહાયતાનો સ્વીકાર ન કરવો જોઈએ. આ તમામ કિટની તપાસ થવી જોઈએ.” હકીકતે તાંઝાનિયા એક માત્ર એવો દેશ નથી જેના સાથે ચીને છેતરપિંડી કરી હોય. ચીને મુશ્કેલીના આ સમયમાં પણ તમામ દેશો સાથે આવી ધૃણાસ્પદ મજાક કરેલી છે. અગાઉ ચીને ભારતમાં જે પીપીઈ કિટ મોકલેલી તે પૈકીની એક ચતુર્થાંશ કિટ ક્વોલિટી ટેસ્ટમાં અસફળ રહી હતી. પાંચમી એપ્રિલ સુધીમાં ભારતમાં ચીનથી આશરે 1.7 લાખ પીપીઈ કિટનો સપ્લાય કરવામાં આવ્યો હતો જેમાંથી 50,000 કિટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ હતી.
પાકિસ્તાનને મહિલાના આંતરવસ્ત્રોમાંથી બનેલા માસ્ક મોકલ્યા
ચીને માત્ર ભારત જ નહીં પરંતુ યુરોપ સહિત અનેક ક્ષેત્રોમાં આ પ્રકારની ઉતરતી કક્ષાની મેડિકલ કિટ મોકલેલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયોમાં ચીનથી મોકલવામાં આવેલી પીપીઈ કિટ પહેરતા જ ફાટી જતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત ચીને માસ્ક માટે પણ ખૂબ જ શરમજનક હરકત કરી હતી અને પોતાના મિત્ર દેશ પાકિસ્તાનને ખરાબ માલ મોકલ્યો હતો. કોરોના મહામારી વચ્ચે ચીને પાકિસ્તાનને મહિલાઓના આંતરવસ્ત્રોમાંથી બનેલા માસ્ક મોકલી આપ્યા હતા.
ચીને ઈટાલીને દગો આપ્યો
ચીને પોતાના પાડોશી દેશ નેપાળ સાથે પણ છેતરપિંડી કરી હતી. આ કારણે એપ્રિલ મહીનાની શરૂઆતમાં નેપાળ સરકારે ચીનની એક કંપની સાથેનો કોરોના વાયરસ ટેસ્ટિંગ અને પીપીઈ કિટ ખરીદવાનો એક મોટો સોદો રદ કરી દીધો હતો. આ તરફ ચીને ઈટાલી સાથે પણ ખૂબ જ ઉતરતી કક્ષાની મજાક કરી હતી. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર હતી તે સમયે ઈટાલીએ ચીનને મોટા પ્રમાણમાં મેડિકલ સપ્લાયનું દાન કર્યું હતું અને બાદમાં જ્યારે ઈટાલી પોતે વાયરસની લપેટમાં આવ્યું ત્યારે ચીને તે સપ્લાયને બિલ સાથે ઈટાલી મોકલી આપ્યું હતું. ઉપરાંત ચીને ઈટાલીને જે અન્ય પુરવઠો મોકલી આપેલો તે પણ ખૂબ જ હલકી કક્ષાનો હતો.
યુરોપિયન દેશોને ખરાબ ગુણવત્તાનો માલ મોકલ્યો
ચીને ઈટાલી સિવાય યુરોપિયન દેશો સાથે પણ દગો કર્યો હતો. આ કારણે સ્પેન, તુર્કી, જ્યોર્જિયા, ચેક રિપબ્લિક, નેધરલેન્ડ વગેરેએ ચીનથી આવેલો ખરાબ મેડિકલ સપ્લાય નામંજૂર કરી દીધો હતો જેમાં મોટા પ્રમાણમાં માસ્ક અને પીપીઈ કિટ વગેરે સામેલ હતું. 17મી એપ્રિલના રોજ મેક્સિકોએ પણ ચીનથી આવેલા ગ્લોવ્સ, માસ્ક, ગાઉન વગેરે ખૂબ જ હલકી ગુણવત્તાના હોવાનું કહીને તેને રદ કરી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.