નૌસેનાના જાંબાઝ જવાનો બે જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ સાથે માલદીવ્સની રાજધાની ‘મેલ’ બંદર જવા રવાના
– મેડિકલ સ્ક્રીનીંગ કર્યા બાદ જ જહાજમાં એન્ટ્રી મળશે
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા ભારતીયોને પાછા લાવવા માટેનું ઓપરેશન 8 મે, 2020થી શરૂ થશે.
આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની ‘માલે’ બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે. રિપલ્બિક ઑફ માલદીવ્સમાં સ્થિત ‘ધ ઇન્ડિયન મિશન’ ભારતીય નૌસેનાના જહાજો પર જનારા ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યું છે. ‘ધ ઇન્ડિયન મિશન’ જરૂરી મેડિકલ સ્ક્રીનીંગ બાદ આ ભારતીયોને જહાજ પર સરળતાથી પહોંચાડવામાં પણ મદદ કરશે.
પહેલી યાત્રામાં કુલ 1 હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાયરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે.
જહાજને આ આખા ઓપરેશન માટે સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. માલદીવ્સથી છોડાવવામાં આવેલા ભારતીયોને દરિયાઇ સફર દરમિયાન સંપૂર્ણ પાયાની સુવિધાઓ તેમજ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોવિડ-19 સાથે સંકળાયેલા પડકારોને ધ્યાનમાં રાખીને આ સમગ્ર યાત્રા માટે કડક પ્રોટોકોલ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
છોડાવવામાં આવેલા ભારતીયોને કેરળના કોચિ ખાતે ઉતારવામાં આવશે અને આ તમામની જવાબદારી રાજ્યના સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને અન્ય વિવિધ એજન્સીઓ તેમજ રાજ્ય સરકારોના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.