પ્રવાસી મજૂરોનો વીડિયો શેર કરીને સરકારને તેમના સાથે સારો વ્યવહાર કરવાની સલાહ આપી
બુદ્ધ પૂર્ણિમાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કરૂણાનો સંદેશો પાઠવ્યો હતો. વડાપ્રધાનના ભાષણના થોડા કલાકો બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રવાસી મજૂરોનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા હતા. આ વીડિયોને શેર કરીને પ્રિયંકાએ ફક્ત ભગવાનની વાતોનું પુનરાવર્તન કરવું પૂરતું નથી, તેનો અમલ પણ કરો તેવો કટાક્ષ કર્યો હતો.
ટ્વિટર પર વીડિયો શેર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે, “મજૂરોને ગુજરાતથી યુપી લાવવામાં આવ્યા. પૈસા પણ વસૂલવામાં આવ્યા. આગ્રા અને બરેલી જવું હતું તેમને લખનૌ અને ગોરખપુર લાવીને છોડી દેવામાં આવી રહ્યા છે. આજે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ છે. બુદ્ધની વાણી કરૂણાની વાણી હતી. પ્રવાસી મજૂરો સાથે કરૂણાભર્યો વ્યવહાર થાય અને તેમને સહારો મળે તે આપણો પ્રયત્ન હોવો જોઈએ.”
વધુમાં લખ્યું હતું કે, “ફક્ત ભગવાનની વાણીનું પુનરાવર્તન કરવામાં આવે તે પૂરતું નથી. સરકારે તેના પર અમલ કરીને દેખાડવું પડશે અને પ્રવાસી મજૂરો સાથે સારો વ્યવહાર કરવો પડશે.”
વીડિયોમાં મજૂરોએ શું કહ્યું
અમદાવાદથી પોતાના ઘરે પરત ફરી રહેલા મજૂરોએ રેલ ટિકિટના બદલે 690 રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આરોપ મુક્યો હતો. સાથે જ સમગ્ર યાત્રા દરમિયાન એક પાણીની બોટલ, નમકીન અને ચાર-ચાર લાડવા સિવાય અન્ય કોઈ સુવિધા ન અપાઈ હોવાનો દાવો કર્યો હતો.
વડાપ્રધાન મોદીનું ભાષણ
બુદ્ધ પૂર્ણિમા પર આયોજિત વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વડાપ્રધાને ભારત આજે નફા-નુકસાનની ચિંતા કર્યા વગર બુદ્ધના પગલે ચાલીને દેશ-વિદેશમાં બધાની મદદ કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું. સાથે જ નિરંતર સેવા ભાવથી કામ કરીને અન્ય લોકો માટે કરૂણા-સેવા રાખવી જરૂરી હોવાનું સૂચન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.