રેલવે મંત્રી પિયુષ ગોયલના ઘરે કામ કરતા એક નોકરની તેમના મુંબઇ નિવાસસ્થાનમાંથી ચોરી કરવાના આરોપસર દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ચોરીની એફઆઈઆર મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. યુવક પાસેથી પિયુષ ગોયલના ઘરેથી લેવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
આરોપી પાસેથી મળી આવેલા સેલ ફોન પર પોલીસને રેલવે અને નાણાં મંત્રાલયને લગતા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યાં હતાં. આ દસ્તાવેજો ત્રણ જુદા જુદા ઇમેઇલ આઈડી પર મોકલવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે આરોપી કેટલાક લોકોને મહત્વની માહિતી આપી રહ્યો હતો. આ મામલો ગત મહિને ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પિયુષ ગોયલના પરિવારના સભ્યોને ઘરમાંથી ચાંદીના વાસણ અને પિત્તળની કેટલીક વસ્તુઓ મળી હતી. આ ઘટના 16 થી 18 સપ્ટેમ્બરની છે. આ પછી, વિશ્વકર્મા વિરુદ્ધ ગામદેવી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી.
આરોપીનું નામ વિષ્ણુકુમાર વિશ્વકર્મા છે. આરોપીની ઉંમર 28 વર્ષ છે. આરોપી છેલ્લા 3 વર્ષથી કેન્દ્રીય મંત્રીના ઘરે કામ કરતો હતો. આરોપીનો ફોન સાયબર સેલમાં મોકલવામાં આવ્યો છે. આ સાથે પોલીસ ડિલીટ થયેલા મેઇલને ફરીથી રિકવર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ આરોપીના સાથીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ મહત્વપૂર્ણ દસ્તાવેજોને મોકલીને વિશ્વકર્મા કોઇને ફાયદો પહોંચાડવાની કોશીશ કરી રહ્યો હતો. હાલ વિશ્વકર્માને દિલ્હીથી મુંબઇ લાવવામાં આવી રહ્યો છે અને પૂછપરછ દરમિયાન આ મામલે વધુ ખુલાસા થવાની સંભાવના છે. જો કે મુંબઇ પોલીસ તરફથી હાલ કોઇ નિવેદન સામે આવ્યું નથી. મુંબઇ પોલીસ વિશ્વકર્માની પૂછપરછ કર્યા બાદ જ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસાઓ કરે તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.