– લૉકડાઉન લંબાવવું કે નહીં : પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે
૧૦ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૪ કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં, રીકવરી રેટ ૩૦ ટકાથી વધુ થયો : ડૉ. હર્ષવર્ધન
– પૂણેની સંસ્થાએ કોરોનાની સૌપ્રથમ સ્વદેશી ટેસ્ટિંગ કિટ બનાવી તેલંગાણાએ પહેલાંથી જ લૉકડાઉન ૨૯મી સુધી લંબાવી દીધું
કોરોનાનો પ્રસાર અટકાવવા માટે મોદી સરકારે દેશમાં ૨૪મી માર્ચથી લગાવાયેલું લૉકડાઉન એક પછી એક એમ ત્રીજા તબક્કામાં ૧૭મી મે સુધી લંબાવ્યું છે. જોકે, લૉકડાઉનના આ સમયમાં દેશે ખૂબ જ મોટું આર્થિક નુકસાન ઉઠાવવું પડયું છે. કરોડો લોકોએ રોજગારી ગુમાવવી પડી છે. આવા સમયમાં ૧૭મી મેએ ત્રીજું લોકડાઉન પૂરું થયા પછી મોદી સરકાર કયું પગલું ઊઠાવશે તે અંગે લોકોમાં સવાલો થવા લાગ્યા છે. લૉકડાઉન છતાં દેશમાં કોરોના વાઈરસના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતો ન હોવાથી લોકોના મનમાં એક જ સવાલ છે કે લૉકડાઉન ખતમ કરાશે કે પ્રતિબંધો હજી પણ ચાલુ રહેશે? સરકાર ૧૭મી પછી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના બદલે માત્ર હૉટસ્પોટવાળા વિસ્તારોને જ સીલ કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદી સોમવારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવાના છે, જેમાં ૧૭મી મે પછી લૉકડાઉન લંબાવવું કે નહીં તે અંગે ચર્ચા થવાની સંભાવના છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૧૯નાં મોત નીપજ્યાં છે અને ૪,૫૧૩ નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૧૩૫ થયો છે જ્યારે કોરોના દર્દીની કુલ સંખ્યા ૬૭,૦૨૬ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૨૦,૪૬૯ દર્દીઓ સાજા થયા છે. રવિવારે અમદાવાદમાંથી ૩૩૪ કોરોના વાઈરસ સુપર સ્પ્રેડર પકડાયા હતા. એ જ રીતે કર્ણાટકમાં એક જ દિવસમાં ૫૩ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા, જે રાજ્યમાં કોરોનાના કેસનો એક જ દિવસનો સૌથી મોટો આંક છે.
દેશ કુલ ૫૪ દિવસના લૉકડાઉનના છેલ્લા સપ્તાહમાં પ્રવેશી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે. આ બેઠકમાં આર્થિક કામગીરી ફરીથી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે અને કોવિડ-૧૯ના ઊંચા કેસો ધરાવતા રેડ ઝોનને ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં પરિવર્તિત કરવાના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પછી જ વડાપ્રધાન આગળની રણનીતિ તૈયાર કરશે તેમ મનાય છે. અગાઉ પણ કેટલાક મુખ્યમંત્રીઓએ લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી હતી. આ વખતે પણ કેટલાક રાજ્યો લૉકડાઉન લંબાવવાની તરફેણ કરી રહ્યા છે. તેલંગાણાએ તો પહેલાંથી જ લૉકડાઉન ૨૯મી મે સુધી લંબાવી દીધું છે.
સૂત્રોનું પણ કહેવું છે કે વડા પ્રધાન એક જ વખતમાં નિયંત્રણો હટાવી લે તેવી સંભાવના ઓછી છે. કેન્દ્ર સરકાર ૧૭મી મે પછી તબક્કાવાર લૉકડાઉન ઉઠાવી શકે છે. વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ રવિવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ સોમવારે બપોરે ૩.૦૦ વાગ્યે યોજાશે. દેશમાં કોરોના વાઈરસની મહામારી ફેલાયા પછી વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ પાંચમી વીડિયો કોન્ફરન્સ બેઠક છે.
દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રીકવરી રેટ પણ વધીને ૩૦ ટકાથી ઉપર થઈ ગયો છે. આ બાબતો સંકેત આપે છે કે ભારત કોરોના સામેની લડતમાં સફળતાના માર્ગે આગળ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧,૫૧૧ દર્દીઓ સાજા થયા છે, જે એક જ દિવસમાં દર્દીઓના સાજા થવાની સૌથી મોટી સંખ્યા છે.
કોરોના સામેની લડતમાં ટેસ્ટિંગ વધારવા પર સરકાર ધ્યાન આપી રહી છે. આ સંદર્ભમાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)એ તેની સૌપ્રથમ સ્વદેશી ટેસ્ટિંગ કિટ બનાવી લીધી છે. આ ટેસ્ટ કિટનો લાભ એ છે કે ૨.૫ કલાકના એક જ સમયમાં એક સાથે ૯૦ સેમ્પલ લઈ શકાય છે, જેથી દેશમાં કોરોના ટેસ્ટિંગમાં ઝડપ આવી શકશે. ભારતમાં અત્યાર સુધીમાં ૮૬,૦૦૦ ટેસ્ટ કરાયા છે અને દેશની ટેસ્ટિંગ ક્ષમતા દૈનિક ૯૫,૦૦૦ સેમ્પલ સુધી વધી છે.
દેશમાં કોરોનાના કેસ બમણા થવાનો દર ૧૨ દિવસ થયો છે અને રીકવરી રેટ વધીને ૩૦ ટકા થયો છે. કોવિડ-૧૯ના ૬૦,૦૦૦થી વધુ દર્દીઓમાંથી ૨૦,૦૦૦થી વધુ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આપણો મૃત્યુદર ૩.૩ ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.