કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવતા 51 દિવસથી પોતાના ઘરોમાં પુરાયેલા લોકોની માનસિક સ્થિતિ વિચલિત થવા લાગી છે. વિચિત્ર પ્રકારના ડર, ભવિષ્યની અસ્થિરતા, તણાવ અને વિચિત્ર ચિંતાને લઈ લોકો એટલી હદે હતાશ થઈ ગયા છે કે, તેમના મનમાં આત્મહત્યા કરી લેવાના વિચારો ઘેરાવા લાગ્યા છે.
હરિયાણા સ્વાસ્થ્ય વિભાગના મેન્ટલ હેલ્થ ડિવિઝને કરેલા એક સર્વેમાં આ પ્રકારનો ખુલાસો થયો છે. આ સર્વે રિપોર્ટ જોઈને હેલ્થ ડિપાર્ટમેન્ટ સતર્ક થઈ ગયું છે અને સાથે જ લોકોની હતાશા દૂર કરવા કમર કસી લેવાઈ છે.
હરિયાણા સરકારના આદેશો બાદ સ્વાસ્થ્ય વિભાગના મેન્ટલ હેલ્થ ડિવિઝને હતાશ લોકોની મદદ અને તેમનું કાઉન્સેલિંગ કરવા 211 સ્વાસ્થ્ય નિષ્ણાંતો અને સ્વૈચ્છિક વોલેન્ટિયર્સની ટીમને મેદાનમાં ઉતારી છે. મેન્ટલ હેલ્થ સર્વિસના ડિરેક્ટર અને સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડો. વીણા સિંહના નેતૃત્વમાં આ ટીમ એક સ્ટેટ હેલ્પલાઈન નંબર 1057 સાથે કામમાં જોતરાઈ છે.
અચાનક સર્જાયેલી પરિસ્થિતિઓથી લોકો વિચલિત થયા
ડો. વીણા સિંહના કહેવા પ્રમાણે ઘરમાં નવરા બેસવાનું થતા કામ કરતા લોકો, વડીલો અને પહેલેથી જ કોઈ બીમારીથી ગ્રસ્ત હોય તેવા લોકોમાં આત્મહત્યા કરવાને લગતા વિચારોનું ઘોડાપૂર ચિંતાજનક છે. આવા લોકોને હતાશામાંથી બહાર લાવવા હરિયાણા સરકારે એક વિશેષ મેન્ટલ એક્સરસાઈઝ શરૂ કરાવી છે.
હેલ્પલાઈન નંબર પર દરરોજ આ પ્રકારની સમસ્યાના ફોન આવી રહ્યા છે અને નિષ્ણાંતો તેનું સમાધાન કરી રહ્યા છે. માનસિક સારવારની વિવિધ પદ્ધતિઓ દ્વારા હતાશ લોકોની સારવાર કરાઈ રહી છે અને સાથે જ પ્રશિક્ષિત નિષ્ણાંતો ફોન પર તેમનું કાઉન્સેલિંગ પણ કરી રહ્યા છે. અચાનક સર્જાયેલી પરિસ્થિતિના કારણે ભવિષ્યની અસ્થિરતા, ચિંતા અને મહામારીનો ડર લોકોની મનોદશા પર હાવી થઈ રહ્યો છે જે યોગ્ય નથી.
આ સંજોગોમાં લોકોએ તમામ અફવાઓ, મનને વિચલિત અને ભયભીત કરનારી જાણકારીઓ-સૂચનાઓથી દૂર રહીને સરકારની નીતિઓ, પ્રયત્નો અને વિનંતી પર મનને એકાગ્ર કરવું જોઈએ કારણ કે, જીવન એમ સમાપ્ત નથી થવાનું.
બાળકો પરનો ગુસ્સો, મૃત્યુનો ડર વધ્યો
સર્વે પ્રમાણે ઘરે બેસવું પડ્યું હોય તેવા કામકાજી લોકો બાળકો પર વધારે ગુસ્સો કરી રહ્યા છે. બાળકોના સામાન્ય તોફાન પર તેઓ ખૂબ જ ઉગ્રતાથી વઢવા લાગે છે. આટલું જ નહીં ચાઈલ્ડ એબ્યુઝિંગના કેસ પણ બની રહ્યા છે જેથી તેમની પત્નીઓ સાથેના ઝગડા પણ વધ્યા છે જે બાદમાં ઘરેલુ હિંસાનું કારણ બને છે. ઉપરાંત કોઈ બીમારીથી પીડિત હોય તેવા લોકો કોરોના સંક્રમણ લાગવાથી ક્યાંક તે મૃત્યુ ન પામે આવું વિચારીને ચિંતિત થઈ રહ્યા છે.
નિષ્ણાંતોની આ વાતોને ધ્યાનમાં રાખો
– શાળાઓ બંધ છે અને બાળકો ઘરે છે તો તેમને આખો દિવસ ટીવી ન જોવા દો અને રીડિંગ સહિતની ક્રિએટિવ આદતો પાડો.
– દરરોજ નિયમિતપણે પરિવાર સાથે વ્યાયામ, યોગ, મેડિટેશન, ઈન્ડોર ગેમ વગેરે માટે સમય કાઢો.
– સોશિયલ ડિસ્ટન્સિંગના આ સમયમાં સોશિયલી ઈમોશનલ બનીને સંબંધીઓ અને મિત્રો સાથે સોશિયલ મીડિયા દ્વારા સકારાત્મક વિચારોથી જોડાયેલા રહો.
– ખાવા-પીવાનું વિશેષ ધ્યાન રાખો અને વ્હોટ્સએપ દ્વારા બાળકોને જે ગૃહકાર્ય મળી રહ્યું છે તેમાં મદદ કરો.
– ઘરનો માહોલ પોઝિટિવ બનાવીને પરિવારજનો સાથે ખુશ રહેવા પ્રયત્ન કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.