કોરોનાની મહામારીમાં લોકોને મદદરૂપ થવા માટે ગુજરાત કોંગ્રેસે એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, કોંગ્રેસે જણાવ્યું કે, કોંગ્રેસે ઈ-જનમિત્ર મોબાઇલ એપ્લિકેશન બનાવી છે, આ એપ્લિકેશન કોવિડ હેલ્પલાઇન તરીકે કાર્ય કરશે, આ વર્ચ્યુઅલ ચેટબોટ ગ્રાહક સાથે સીધી વાત કરશે, નાગરિકોની આ રજૂઆતો સરકાર સુધી પહોંચાડીને સમસ્યાનું સમાધાન કરાશે. હોસ્પિટલોમાં સારવારમાં તકલીફ-દવા, પરપ્રાંતીઓેને ભાડું, ખેડૂતોના પ્રશ્નોની લોકો નોંધણી કરી શકશે.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, કોરોનાના કારણે ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં ખરાબ છે, કોંગ્રેસના નેતાઓએ કોરોનામાં બલિદાન પણ આપ્યા છે, સરકારમાં સંકલનનો અભાવ છે, કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાઓ ઘરમાં જ બેસી રહ્યા છે, માત્ર ત્રણ કે ચાર અધિકારીઓ સરકાર ચલાવે છે. કોરોનાને નાથવા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સમય હતો, જોકે ભાજપ સરકાર નમસ્તે ટ્રમ્પ અને કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવામાં વ્યસ્ત હતી.
કોવિડ-૧૯ની સ્થિતિમાં અત્યાર સુધી પ્રજાથી મોંઢું સંતાડનારી કોંગ્રેસને હવે છેક કેમ જવાબદાર વિપક્ષ તરીકેનું ભાન આવ્યું ? આ સવાલ સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમિત ચાવડાને નિવેદનિયા વાઇરસથી પીડાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કહ્યા છે. ઈ-જનમિત્ર કોવિડ-૧૯ની હેલ્પલાઇનનું ગતકડું માત્ર રાજકીય લાભ ખાટવા અને તૃષ્ટીકરણની રાજનીતિ માટે કોંગ્રેસે કર્યાનો આક્ષેપ કર્યો છે.
ગૃહમંત્રી જાડેજા કહ્યું કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ગુજરાત યાત્રાથી જે જ્વલંત સફળતા મળી અને વિશ્વમાં ગુજરાતની જે આગવી છાપ મળી તેનાથી કોંગ્રેસ ડઘાઈને નિવેદનથી પાંગળો બચાવ કરે છે. મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં આખી સરકાર, ધારાસભ્યો, સાંસદો છેલ્લા અઢી મહિનાથી દિવસ- રાત એક કરીને કોરોના વાઇરસના સંક્રમણ નિયંત્રણમાં લાગ્યા છે તે પ્રજા જુવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.