દિલ્હીમાં ઓડ-ઈવન પ્રમાણે દુકાનો ખુલશે…? લોકડાઉન મુદ્દે કેજરીવાલ સરકારે કેન્દ્રને દરખાસ્ત મોકલી

દિલ્હીવાસીઓએ પરિવહન સેવા ચાલુ કરવા પરંતુ સિનેમા હોલ, સલૂન, રેસ્ટોરા બંધ રાખવા માંગ કરી

આગામી 17મી મેના રોજ સમગ્ર દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થવા જઈ રહ્યો છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલેથી જ લોકડાઉન લંબાશે તેવો સંકેત આપી દીધેલો છે. તેમણે આ વખતે લોકોએ છૂટછાટ સાથે લોકડાઉનનું પાલન કરવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે 17મી મે બાદ દિલ્હીમાં કેટલી છૂટ મળે તેને લઈ સરકારે ગહન વિચારણા કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સરકાર મોલ, શોપિંગ કોમ્પ્લેક્સને ઓડ-ઈવન પદ્ધતિથી ખોલવા વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે.

દુકાનો ઓડ-ઈવન પદ્ધતિથી ખુલશે?

દિલ્હીમાં વાહનોના પરિવહનને લઈ ઓડ-ઈવન ફોર્મ્યુલા અપનાવાઈ ચુકી છે ત્યારે લોકડાઉનના સંભવિત ચોથા તબક્કામાં દુકાનો માટે પણ આ ફોર્મ્યુલા લાગુ કરવાની વાત સામે આવી રહી છે. જો આમ બનશે તો રાષ્ટ્રીય રાજધાનીમાં મોલ, માર્કેટ, શોપિંગ કોમ્પ્લેક્સની અડધી દુકાનો એક દિવસ ખુલશે અને બાકીની અડધી દુકાનો બીજા દિવસે ખુલશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીની પાંચ લાખથી વધારે જનતાએ ભવિષ્યમાં કેટલી છૂટ આપવી આ મામલે પોતાના સૂચનો આપ્યા હતા. તેમાં કેટલાક લોકોએ મોલની અમુક દુકાનો ખોલવા પણ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે રાજ્યોના સૂચન માંગ્યા

લોકોના સલાહ-સૂચનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં 17મી મે બાદ કેટલી છૂટ આપવી તે અંગે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને 17મી મે બાદ લોકડાઉન વધારવામાં આવે તો શું નવીનતા અપનાવી શકાય તે અંગે 15મી મે સુધીમાં જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે દિલ્હીવાસીઓના સૂચન માંગ્યા હતા.

દિલ્હીવાસીઓએ સૂચન આપ્યા

દિલ્હીની જનતાએ ફોન, વ્હોટ્સએપ અને ઈ-મેઈલ દ્વારા જે સૂચનો આપ્યા તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે બસ, મેટ્રો, ઓટો અને ટેક્સી સેવા ચાલુ કરવા માંગ કરી હતી. મોટા ભાગના લોકોએ ઉનાળાની રજા સુધી શાળા અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા સૂચન આપ્યું હતું. પરંતુ લોકો હજુ પણ સલૂન, રેસ્ટોરા, સિનેમા હોલ ખોલવાના પક્ષમાં નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.