ભારત સાથેનું વેર પાકિસ્તાનને પડ્યું ભારે, આ કારણે ફાર્મા કંપનીઓએ કર્યો સરકારનો વિરોધ

પાકિસ્તાનમાં 95% દવાઓનું ઉત્પાદન અન્ય દેશમાંથી મંગાવાતા કાચા માલ પર નિર્ભર જેમાં ભારતનો ફાળો 50%

 

ભારત સાથે દુશ્મનાવટના ચક્કરમાં પાકિસ્તાન પોતે જ વધુને વધુ મુશ્કેલીઓ વહોરી રહ્યું છે. ગત ઓગષ્ટ મહીનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબુદ કર્યો ત્યારે પાકિસ્તાને ભારત સાથેના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધનું આત્મઘાતી પગલું ઉઠાવ્યું હતું. ત્યારે હવે કોરોના મહામારીના ગાળામાં પાકિસ્તાનની દવા કંપનીઓ જ સરકારને ભારતથી આયાત બેન કરવા મુદ્દે ચેતવી રહી છે.

છેલ્લા થોડા દિવસોથી પાકિસ્તાનમાં ભારતથી દવાઓ આયાત કરવાને લઈ ઉહાપોહ થઈ રહ્યો છે. ભારત સાથેના વ્યાપાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યાના થોડા દિવસોમાં જ પાકિસ્તાને જીવનરક્ષક દવાઓની આયાત કરવાની છૂટ આપી હતી પરંતુ જીવનરક્ષક દવાઓની આડમાં ભારતથી વિટામીન્સથી લઈને સરસવનું તેલ પણ મંગાવાઈ રહ્યું હતું.

આ વાત સામે આવતા જ પાકિસ્તાન સરકાર સવાલોના ઘેરામાં આવી હતી અને વિવાદ વધતા સમગ્ર કેસની તપાસનો આદેશ અપાયો હતો. જો કે, પાકિસ્તાન સરકારની સંભવિત કાર્યવાહીને લઈ ત્યાંની ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ વ્યાપ્યો છે.

પાકિસ્તાનના ફાર્મા મેન્યુફેક્ચરિંગ અસોશિએશને સરકારને ભારત પરની કાચા માલની નિર્ભરતાને ધ્યાનમાં રાખીને આયત પ્રતિબંધિત કરવાનો નિર્ણય ન લેવા ચેતવણી આપી છે. અસોશિએશનના કહેવા પ્રમાણે જો આયાત પ્રતિબંધિત કરાશે તો દવાઓના ઉત્પાદનમાં 50 ટકાનું નુકસાન વેઠવું પડશે. તેનાથી પાકિસ્તાનમાં દવાઓની તંગી સર્જાશે જે દેશની કોરોના વાયરસ સામેની લડતને વધુ નબળી બનાવશે.

ફાર્મા અસોશિએશન (પીપીએમએ)ના વાઈસ ચેરમેન સૈયદ ફારૂક બુખારીએ દેશમાં કોરોનાના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સરકારે અન્ય કોઈ દેશમાંથી દવા અને તેના માટે જરૂરી કાચા માલની આયાત પ્રતિબંધિત ન કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.

બુખારીના કહેવા પ્રમાણે ફાર્મા ઉદ્યોગ માટે જરૂરી કાચા માલને વાણિજ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાની મંજૂરી મળી હતી અને પ્રશાસન ઉપરાંત તમામ રેગ્યુલેટરી દ્વારા તેનું મોનિટરિંગ થઈ રહ્યું હતું. આ તરફ પીપીએમએના પૂર્વ ચેરમેન ડો. કેસર વહીદના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં 95 ટકા દવાઓનું ઉત્પાદન અન્ય દેશમાંથી મંગાવાતા કાચા માલ પર નિર્ભર છે.

તેમાં 50 ટકા ફાળો ભારતનો છે અને તે સિવાય ચીન અને કેટલાક યુરોપિયન દેશમાંથી આયાત કરાય છે. સ્વાસ્થ્ય, શરીર અને મન માટે તમામ દવાઓ જરૂરી છે. વિટામિન્સ પણ અન્ય દવાઓ જેટલા જરૂરી છે કારણ કે, તેની ઉણપથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો કે, પાકિસ્તાનનું વિપક્ષી દળ દવાઓની આયાત મામલે સતત ઈમરાન ખાનની સરકાર પર નિશાન સાધી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.