કાળાબજારનો નવો કીમિયો: બાળકોની ટિકિટ ગપચાવી બુકિંગ કરતા દલાલોનો ગોરખધંધો

સુરત – પરપ્રાંતીય શ્રામિકો પાસેથી ટિકિટના નામે કાળાબજાર થઇ રહ્યાની બૂમ વચ્ચે વધુ નાણાં લેવાનું તો બંધ કરી દેવાયું છે. હવે આ બુકિંગ કરતા દલાલોએ કાળાબજારનો નવો કીમિયો શોધી કાઢયો છે. જે શ્રામિકોના ૦૮થી ૧૭ વર્ષનાં સગીર વયના બાળકો હોય તેમની ટિકિટના રૂપિયા તો વસૂલવામાં આવે છે, પરંતુ તેમની ટિકિટ આપવામાં આવતી નથી. આ ટિકિટ વચેટિયાઓ જ રાખીને તેને કાળાબજારમાં વેચી મારે છે. શ્રામિકો દ્વારા ટિકિટ માગવામાં આવતાં એડજસ્ટ કરવાનું કહેવામાં આવે છે. જીદ કરવામાં આવે તો બધાની ટિકિટ કેન્સલ કરી દેવાની ધમકી દલાલો દ્વારા આપવામાં આવી રહી છે.

આજે સાંજે ઉત્તરપ્રદેશ ઉપડવાની ટ્રેનની ટિકિટ બુક થયા બાદ શ્રામિકો તેમના વતન જવા ઉધના બી.આર.સી. નજીક લક્ષ્મીનારાયણ મંદિર પાસે પીકઅપ સ્ટેન્ડ ઉપર ભેગા થયા હતા ત્યારે ‘સંદેશ’ની ટીમ પણ પહોંચી હતી. શ્રામિકો જેમની પાસે ટિકિટ લેવા ઊભા હતા ત્યારે તેમની સાથે ઊભા રહી ગયા હતા. તે વખતે બે શખ્સો ટ્રેન બુકિંગની લિસ્ટ સાથે આવ્યા હતા. પહેલાં આ ટ્રેન બનારસ જવાની હતી, પરંતુ બનારસ રેડ ઝોનમાં હોવાથી ટ્રેન જોનપુર સુધી જશે તેમ કહીને વધારાના પચાસ રૂપિયા વસૂલ્યા બાદ જેમણે પણ આઠ વર્ષ કરતાં વધુ મોટા બાળકોની ટિકિટ બુક કરાવી તેમના રૂપિયા આપ્યા હતા પરંતુ તેમના બાળકોની ટિકિટ આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો.

શ્રામિકો દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે ટ્રેનમાં કોઇ ચેકિંગ થશે નહિ અને અંદર બોગીમાં બેસાડવાની જવાબદારી અમારી હોવાનું જણાવી ધરાર ટિકિટ આપવામાં આવી ન હતી. આવા બાળકોની ટિકિટ આ દલાલો દ્વારા બારોબાર બીજી વ્યક્તિઓને વેચી રોકડી કરી લેવાઇ હતી. જે વાલીઓએ તેમના બાળકોની ટિકિટ લીધી હતી છતાં બાળકોની ટિકિટ નહિ આપવામાં આવી હોય તેવા ચાર વાલીઓ ત્યાં જ મળી આવ્યા હતા. દલાલો દ્વારા ધરાર તેમની સાથે ઠગબાજી કરાઇ રહ્યાનો તેમણે આક્ષેપ કર્યો હતો. વતન જવાની મજબૂરીમાં શ્રામિકોએ તે સહન કરવા સિવાય છૂટકો નહિ હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.