કોરોનાનો કેર અમદાવાદ શહેરમાં તેની ચરમસીમાએ પહોંચ્યો તે જ સમયે કોરોના સામે સરકારી રાહે આદરવામાં આવેલા જંગના શહેરના તે વખતના સેનાપતિ અને આઈએએસ વિજય નેહરાની મ્યુનિસિપલ કમિશનરપદેથી અચાનક જ બદલી એ માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં પરંતુ પક્ષીય ધોરણે પણ ભાજપમાં જે ગંદું રાજકારણ ખદબદી રહ્યું છે તેનું સીધું પરિણામ દેખાય છે.
આશરે બે વર્ષ પહેલાં વિજય નેહરાએ શહેરના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સંભાળેલો. માત્ર તેમના આખાબોલા અને જેવું છે તેવું મોં પર જ કહી દેવાના સ્વભાવ કે તેમની પરિણામલક્ષી આક્રમક કાર્યશૈલીને લીધે જ નહીં પરંતુ ચૂંટાયેલી પાંખને પ્રજાહિત વિરુદ્ધની ઇચ્છાને જરાય નહીં ગાંઠવાની તેમની ખાસિયતના કારણે અમદાવાદના ભાજપના કોર્પોરેટરો સાથે તેમનો તાલમેલ પહેલેથી જ જળવાયો નહોતો. આ સંદર્ભમાં બંને વચ્ચેના શાબ્દિક અને ઠંડા એમ બંને પ્રકારના યુદ્ધ સાતત્યપૂર્ણ ચાલ્યા કર્યા.
યુવા પેઢી જે રીતે સોશિયલ મીડિયા પ્રત્યે વધુ પ્રતિભાવવાદી રહી છે તેને ધ્યાને રાખી વિજય નેહરાએ કોર્પોરેશનની કામગીરીથી લોકોને વાકેફ કરાવવા આ માધ્યમનો પણ અસરકારક ઉપયોગ કર્યો. સંવાદ સેતુ બનતો ગયેલો. જેને કારણે તેઓ અમદાવાદની જનતામાં અને ખાસ કરીને યુવા પેઢીમાં લોકપ્રિય પણ થયેલા.
આ ગંદા રાજકારણનો જ જાણે પહેલો ઘા હોય તેમ સૌના આઘાત અને આશ્ચર્ય વચ્ચે વિજય નેહરાએ જાહેરાત કરી કે તેમને સંક્રમણની શંકા હોવાથી તેઓ હોમ-ક્વોરન્ટાઇન થઈ રહ્યા છે. તેમની ગેરહાજરીમા ભાજપના ગંદા રાજકારણની ફળશ્રુતિરૂપે જ્યારે હજુ તો વિજય નેહરાએ હોમ ક્વોરન્ટાઇન રહ્યા પછી ‘હું તૈયાર છું’નો જાહેર સંદેશો જ ત્યાં જ વિજય નેહરાની ગ્રામીણ વિકાસ કમિશનર તરીકે બદલીની જાહેરાત થઈ ગઇ. આ ગંદા રાજકારણની બદબૂ એટલી ફેલાઈ કે તેમને પુનઃ કમિશનરપદે લાવવાના બદલે ખસેડી દેવાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.