લોકડાઉનમાં ફરી રેપો રેટ ઘટાડ્યો, EMI પર 3 મહિનાની વધારાની છૂટ અપાઇ

કોરોના સંકટને જોતા મોદી સરકારે લગભગ 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યુ હતુ. દેશની સામે આ પેકેજની વિસ્તૃત માહિતી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આપી ચુક્યા છે. હવે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ ઘટાડવાનું જાહેર કર્યુ છે.. આ ઘટાડા બાદ આરબીઆઇનો રેપો રેટ 4.40 ટકાથી ઘટીને 4 ટકા થઇ ગયો છે. આ સાથે જ લોનના હપ્તા ચૂકવવા માટે 3 મહિનાની વધારાની છૂટ આપવામાં આવી છે. એટલે કે જો તમે આગામી 3 મહિના સુધી પોતાના લોનની ઇએમઆઇ નથી ભરી શકતા તો બેન્ક કોઇ દબાણ કરશે નહીં.

આરબીઆઇ ગવર્નરે જણાવ્યુ કે છેલ્લા ત્રણ દિવસમાં એમપીસીએ ઘરેલૂ અને ગ્લોબલ પરિસ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં આ બીજીવાર છે જ્યારે આરબીઆઇએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ પહેલા 27 માર્ચના રોજ આરબીઆઇ ગવર્નરે 0.75 ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ બેન્કોએ લોન પરના વ્યાજદર ઘટાડી દીધા હતા.

EMI પર ત્રણ મહિનાની વધારાની છૂટ

આરબીઆઇએ લોકડાઉનના શરૂઆતના દિવસોમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને બેન્કોને 3 મહિના માટેની લોન અને ઇએમઆઇ પર છૂટ આપવા માટે કહ્યુ હતુ. ત્યારબાદથી મોટાભાગની બેન્કોએ 3 મહિના માટેની છૂટ લાગૂ કરી દીધી હતી. હવે આરબીઆઇના નવા 3 મહિનાની રાહત જાહેર કર્યા બાદ ગ્રાહકને કુલ 6 મહિનાની છૂટ મળી શકશે. એટલે કે હજુ વધારાના 3 મહિના સુધી તમે લોનની ઇએમઆઇ ન ભરી શકો તો બેન્ક તમારી પર દબાણ કરી શકશે નહીં.

આરબીઆઇ ગવર્નરની મુખ્ય વાતો

– પહેલા છ મહિનામાં ભારતનો જીડીપી ગ્રોથ 2020-21માં નેગેટિવ રહેશે. જો કે વર્ષના બીજા છ મહિનામાં ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે.

– રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

– લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃતિઓમાં ઘટાડો નોંધાયો, છ મોટા ઓદ્યોગિક રાજ્યો મોટાભાગે રેડ ઝોનમાં રહ્યા.

– માર્ચમાં કેપિટલ ગુડ્સના ઉત્પાદનમાં 36 ટકાનો ઘટાડો નોંધાયો

– કન્ઝ્યુમર ડ્યુરેબલના ઉત્પાદનમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો

– મેન્યુફેક્ચરિંગમાં 21 ટકાનો ઘટાડો, કોર ઇન્ડસ્ટ્રીઝના આઉટપુટમાં 6.5 ટકાનો ઘટાડો.

– ખરીફની વાવણીમાં 44 ટકાનો વધારો નોંધાયો છે.

– ખાદ્ય ફુગાવામાં ફરીથી એપ્રિલમાં વધીને 8.6 ટકા થઇ ગયો છે.

– આ છ મહિનામાં મોંઘવારી વધી જશે, પરંતુ પછીના છ મહિનામાં સામાન્ય થશે.

– વર્ષ 2020-21માં ભારતના વિદેશી વિનિમય ભંડારમાં 9.2 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. ભારતના વિદેશી વિનિમય ભંડાર હાલ 487 અબજ ડોલરનો છે.

– 15,000 કરોડ રૂપિયાની ક્રેડિટ લાઇન એક્ઝિમ બેન્કને આપવામાં આવશે.

– આગામી 90 દિવસ સુધી સિડબીને આપવામાં આવેલ રકમનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

ગત 17 એપ્રિલના રોજ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેટલીક રાહતની જાહેરાત કરી હતી. રિવર્સ રેપો રેટમાં 25 આધાર પોઇન્ટનો ઘટાડો કર્યો છે. હવે રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટીને 3.75 ટકા થઇ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.