ગુજરાતમાં કોરોનાના કેસો ન અટકતાં હોશિયાર અધિકારીઓ નેગેટિવને દબાવવા માટે પોઝિટીવ સ્ટોરીઓ ઉભી કરી રહ્યાં છે. ખરેખર દેશમાં કોરોનાથી ગુજરાતની સ્થિતિ ખરાબ છે. રિકવરી રેટ, મોત અને કુલ કોરોનાના કેસોમાં ગુજરાતની સ્થિતિ ખરાબ હોવા છતાં ભરબપોરે આંખો બંધ કરીને રૂપાણી સરકાર એવો અહેસાસ કરે છે કે આ તો રાત છે. ખરેખર વાસ્તવિક સ્થિતિથી સરકાર અજાણ છે કે અધિકારીઓ પોઝિટીવ સ્ટોરીઓ દ્વારા સરકારને ગપગોળા પકડાવી રહ્યાં છે. ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા ઘટાડી કેસ ઓછા દર્શાવવામાં આવી રહ્યા છે. કોરોનાના સૌથી વધુ કેસ થયા હોય તેવા દેશના ટોચના પાંચ રાજ્યોમાં ટેસ્ટ કરાવવામાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં હાલ 22 મેની સ્થિતિ પ્રમાણે 1,72,562 ટેસ્ટ કરાયા છે. આમ, ગુજરાતમાં પ્રતિ 10 લાખની વસતીએ 2540ના કોરોના ટેસ્ટ થયેલા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં કુલલ 28,964 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાં કુલ કોરોના પોઝિટીવના કેસ 1893 સામે આવ્યા છે.
બીજી તરફ મહારાષ્ટ્ર, તામિલનાડુમાં કેસની સંખ્યા ઓછી આવી રહી હોવા છતાં પરિસ્થિતિનો સામનો કરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. જેના કારણે આ રાજ્યોમાં વધારે કેસ છતાં ટેસ્ટની સંખ્યા ઘટાડવામાં આવી નથી. મહારાષ્ટ્માં કુલ 3.33 લાખ ટેસ્ટ કરાયા છે અને જેમાં છેલ્લા 24 કલાકમા 13,166 ટેસ્ટનો સમાવેશ થાય છે. બીજી તરફ તામિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 12,553 સહિત કુલ 3.72 લાખ ટેસ્ટ કરાયા છે. આમ, મહારાષ્ટ્ર-તામિલનાડુ કરતાં ગુજરાતમાં અડધોઅડધ ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં પ્રતિ 10 લાખની વસતીએ મહારાષ્ટ્રમાં 2727, તામિલનાડુમાં 4921 વ્યક્તિના ટેસ્ટ થઇ ચૂક્યા છે.
દિલ્હીમાં ટેસ્ટની સંખ્યા 1.60 લાખ છે, જે ગુજરાત કરતાં ઓછી છે. પરંતુ દિલ્હીમાં પ્રતિ 10 લાખની વસતીએ 8,088 ટેસ્ટ કરાયા છે. જે ગુજરાત કરતાં 3 ગણાથી પણ વધુ છે. આ જ સ્થિતિ દર્શાવે છે કે ગુજરાતે હવે સૂરજ માથે તપતો હોવા છતાં આંખ બંધ કરી તડકો નથી પણ અંધારું જ છે તેવી આભાસી સ્થિતિ પેદા કરી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક 13 હજારને પાર થઇ ગયો છે. જોકે, હવે ગુજરાતમાં રીક્વરી રેટમાં એટલે કે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત સુધારો થઇ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હાલ કુલ 13273 કેસમાંથી 5880 દર્દીઓ સાજા થયા છે. આમ, ગુજરાતમાં હાલ કોરોનાનો રીક્વરી રેટ 42.51 ટકા થઇ ગયો છે. પરંતુ દેશના જે રાજ્યોમાં કોરોનાનો રીક્વરી રેટ સૌથી વધુ હોય તેમાં ગુજરાત હજુ ટોચના 12 રાજ્યોમાં પણ નથી. 22 મેની સ્થિતિ પ્રમાણે પંજાબમાં સૌથી વધુ 89.69 ટકા રીક્વરી રેટ છે. મતલબ કે, પંજાબમાં નોંધાયેલા કુલ કેસમાંથી 1847 વ્યક્તિ સાજી થઇ ગઇ છે.
કોરોના : સૌથી વધુ રીકવરી રેટ ધરાવતા રાજ્યો-પંજાબમાં અત્યારસુધી કોરોનાથી 39 વ્યક્તિના મૃત્યુ થયા છે. કોરોનાનો સૌથી વધુ રીક્વરી રેટ ધરાવતા રાજ્યોમાં કેરળ 73.91 ટકા સાથે બીજા સ્થાને છે. કેરળમાં નોંધાયેલા 733 કેસમાંથી 512 વ્યક્તિ સાજી થઇ ગઇ થઇ ગઇ છે અને ત્યાં અત્યારસુધી કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે. હરિયાણા આ યાદીમાં 66.05 ટકા સાથે ત્રીજા સ્થાને છે. ત્યાં અત્યારસુધી 1067 કેસમાંથી 706 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. કોરોનામાં સૌથી વધુ રીકવરી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હાલમાં 13માં સ્થાને છે. કોરોનાના સૌથી વધુ કેસમાં જ નહીં રીક્વરી રેટમાં પણ તામિલનાડુ ગુજરાત કરતા આગળ છે. તામિલાડુમાં નોંધાયેલા કુલ 14753 કેસમાંથી 7128 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. આમ, તેનો રીક્વરી રેટ 44.98 ટકા છે. સમગ્ર દેશના સંદર્ભમાં કહેવામાં આવે તો કુલ 1.25 લાખ કેસમાંથી 51836 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. અને રીક્વરી રેટ 41.43 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.