– ભૂલ માટે જવાબદાર અધિકારી સસ્પેન્ડ અને વિવાદિત જાહેરાત પણ પરત લેવાઇ: અનિલ બૈજલ
દિલ્હી સરકાર દ્વારા સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની ભરતી કરવા માટે બહાર પાડવામાં આવેલી જાહેરાતથી આજે વિવાદ સર્જાયો હતો. આ જાહેરાતમાં સિક્કિમને પાડોશી દેશ ગણાવી તેને ભૂતાન અને નેપાળની કેટેગરીમાં નાખી દેતા ભાજપ અને કોંગ્રેસે દિલ્હીની આપ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતાં. વિવાદ વધુ વકરતા દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે આ જાહેરાતમાં થયેલી ભૂલ બદલ જવાબદાર સિનિયર અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.
બૈજલે ટ્વિટર પર જણાવ્યું છે કે સિક્કિમને અલગ દેશ ગણાવી ભારતની ક્ષેત્રીય અખંડતાનું અપમાન કરનારી જાહેરાત પ્રકાશિત કરવા બદલ ડિરેક્ટોરેટ ઓફ સિવિલ ડિફેન્સ(હેડ કવાટર્સ)ના વરિષ્ઠ અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આવી ભૂલ ચલાવી લેવાય તેમ નથી. આ જાહેરાતને પણ તાત્કાલિક અસરથી પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સિવિલ ડિફેન્સ સ્વયં સેવકોની ભરતી કરવા માટેની જાહેરાત આજે દિલ્હીના અખબારોમાં પ્રકાશિત થઇ હતી. આ જાહેરાતમાં લખવામાં આવ્યું હતું કે ભારતના નાગરિક અથવા સિક્કિમ અથવા ભૂતાન અથવા નેપાળની જનતા અથવા દિલ્હીના રહેવાસી.
સિક્કિમ સરકારે પણ આ જાહેરાતનો વિરોધ કર્યો હતો અને તાત્કાલિક અસરથી આ જાહેરાતને પરત લેવાની માગ કરી હતી. સિક્કિમના મુખ્ય સચિવ એસ સી ગુપ્તાએ દિલ્હી સરકારને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે.
આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે જણાવ્યું છે કે સિક્કિમ ભારતનો અભિન્ન અંગ છે. આવી ભૂલો કોઇ પણ સંજોગોમાં ચાલી લેવાઇ તેમ નથી. જાહેરાત પરત લઇ લેવામા આવી છે અને સંબધિત અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.