– વિદેશી અતિથિઓએ આપેલી ભેટો પોતાની પાસે રાખી મૂકવાનો આરોપ
પાકિસ્તાનની એકાઉન્ટેબિલિટિ કોર્ટે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ એક ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટમાં હાજર નહિ થઇ શકતા એમની સામે ધરપકડ વોરંટ કાઢ્યું છે. હાલમાં લંડનમાં સારવાર લઇ રહેલા શરીફ સામે લકઝરી વાહનો અને ભેટસોગાદો મેળવવાનો આરોપ છે.
ઇસ્લામાબાદસ્થિત કોર્ટે શરીફ ઉપરાંત પૂર્વ પ્રમુખ અસિફ અલી ઝરદારી અને પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની સામેના કેસની સુનાવણી હાથ ધરી હતી. તમામ સામે વિદેશી અતિથિઓએ આપેલી લકઝરી વાહનો અને અન્ય ભેટો પોતાની પાસે રાખી મૂકવાનો આરોપ છે. હકીકતમાં આ વસ્તુઓ રાષ્ટ્રની સંપત્તિ છે.
દેશની લાંચરૂશ્વત વિરોધી સંસ્થા નેશનલ એકાઉન્ટેબિલિટિ બ્યુરોએ ૨ માર્ચે કેસ દાખલ કર્યો હતો જયારે ન્યાયમૂર્તિ સઇદ અસગર અલીએ ૧૫મેએ ઉપરોક્ત ત્રણ નેતાઓ ઉપરાંત અન્ય આરોપીઓ એવા ઓમ્ની ગૃપના ખ્વાજા અનવર મજીદ અને અબ્દુલ ઘાનિ મજીદ સામે સમન્સ કાઢ્યા હતા.
આ પૈકી ગિલાની અને ઘાનિ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે શરીફ અને ઝરદારી હાજર રહ્યા નહોતા.
પૂર્વ પ્રમુખની, કોર્ટમાં રૂબરૂ હાજર થવામાંથી મુક્તિ માગતી અરજીને એકાઉન્ટેબિલિટિ કોર્ટે માન્ય કરી હતી. જો કે પદભ્રષ્ટ વડાપ્રધાન (નવાઝ શરીફ) વતી કોઇ ઉપસ્થિત નહિ રહેતાં ન્યાયમૂર્તિએ એમનું ધરપકડ-વોરંટ કાઢ્યું છે.
કોર્ટે શરીફ અને ઝરદારી સહિતના તમામ આરોપીઓને આગામી તા.૧૧ જુને થનારી સુનાવણીમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.