આ વર્ષ ગરમી પાછલા બધા રેકોર્ડ તોડશે, હજુ વધુ હિટવેવની શક્યતા

– 2020નું તાપમાન અને હીટવેવ સૌથી વધુ નોંધાયા

– ૨૦૨૦નું વર્ષ સૌથી ભીષણ રહેવાનો બ્રિટનના મીડિયા એ અમેરિકન હવામાન વિભાગનું પણ અનુમાન

હાલ એક તરફ દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે અને આંકડો ચીન કરતા પણ વધી ગયો છે ત્યારે બીજી તરફ ભીષણ ગરમી પણ વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે એટલી ગરમી પડી છે કે બધા જ રેકોર્ડ તોડી નાખવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦ની ગરમી એટલી ભીષણ માનવામાં આવે છે કે જ્યારથી તાપમાનનો રેકોર્ડ રાખવાનું શરૂ થયું ત્યારથી લઇને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે.

વૈજ્ઞાાનિકો અને નિષ્ણાંતોના મતે આ વર્ષે જે રીતે તાપમાનનો પારો વધી રહ્યો છે તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે વર્ષ ૨૦૨૦ અગાઉના મોટા ભાગના વર્ષોની સરખામણીએ સૌથી ગરમ સાબિત થશે. ઇન્ટરનેશનલ સેંટર ફોર ક્લાઇમેટ ચેંજ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર ઉત્તરીય ભાગમાં ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશમાં તાપમાનનો પારો વધુ ઉંચો જઇ રહ્યો છે. આગામી સપ્તાહમાં હીટવેવમાં પણ મોટો વધારો થાય તેવી શક્યતાઓ છે. આ પહેલા ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડયું હતું.

એવુ નથી કે હાલમાં જ વૈજ્ઞાાનિકો તાપમાન ઉચુ જવાની ચેતવણી આપી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જ નિષ્ણાંતોની ટીમે કહ્યું હતું કે આ વર્ષ અગાઉના દરેક વર્ષો કરતા સૌથી ગરમ સાબિત થઇ શકે છે. એટલે જ્યારથી તાપમાન રેકોર્ડ કરવાનું શરૂ કર્યું ત્યારથી લઇને અત્યાર સુધી ભારતમાં આ વર્ષ સૌથી ગરમ સાબિત થવા જઇ રહ્યું છે. બ્રિટનના ટોચના અખબાર ધ ગાર્ડિયનની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૨૦માં તાપમાન રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ ૫૦થી ૭૫ ટકા રહી છે.

અમેરિકાના નેશનલ ઓસીએનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાપમાન આ વર્ષે ઉચુ જવાની શક્યતાઓ ૭૪ ટકા વધુ છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી દિવસોમાં વરસાદની શરૂઆત થઇ શકે છે. ખાસ કરીને બીજી જુન સુધી દિલ્હી સહિત કેટલાક ભાગોમાં વરસાદને કારણે તાપમાન સામાન્ય રહે તેવી શક્યતાઓ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.