કોરોનામાં સતત 350 થી 400 કેસો વઘવાની પરંપરા યથાવત,છતા રુપાણી સરકાર આ આકડાઓને આઘારે પોતાના જ ગુણગાન ગાવામાં લીન

હવે રોજ ૩૫૦-૪૦૦ કેસો નોંધાવવાની જાણે પરંપરા બની છે. અનલોક-૧ના પ્રથમ દિવસે જ અમદાવાદમાં તો રવિવારની સરખામણીમાં સોમવારે કોરોનાના કેસોમાં વધારો નોંધાયા હતો. કોરોનાનું ચિત્ર હજુ ય ભયાવહ બની રહ્યું છે ત્યારે પણ રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છે કે, દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે. કોરોનાના જેટલા કેસો નોંધાઇ રહ્યાં છે તેનાથી બમણાં દર્દી સાજા થઇ રહ્યાં છે. ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને હવે ૬૨.૬૧ ટકા થયો છે. ગુજરાતમાં આજે વધુ ૪૨૩ કેસો નોંધાયા હતાં જેના કારણે રાજ્યમાં

કોરોનાના કુલ કેસોનો આંકડો ૧૭ હજારને પાર કરી ગયો હતો. આ ઉપરાંત ૨૫ દર્દીઓના મોત થયા હતાં પરિણામે મૃત્યુઆંક ૧૦૬૩ થયો છે.

અનલોક-1ના પ્રથમ દિવસે જ 423 કેસ

હવે લોકડાઉન તબક્કાવાર પૂર્ણ થયું છે અને અનલોક-૧ જાહેર કરી રાજ્ય સરકારે વધુ રાહત આપી છે. અનલોક-૧ના પ્રથમ જ દિવસે પણ કોરોનાના કેસો ઓછા થઇ શકયાં નથી. ગુજરાતમાં એવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે કે, રોજ ૧૫થી વધુ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે. આ સ્થિતીને લીધે ગુજરાતમાં મોટાભાગના જિલ્લા કોરોનાથી સંક્રમિત થયાં છે. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, આણંદ, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, પાટણ, વલસાડમાં કુલ મળીને નવા ૪૨૩ કેસો નોંધાયા હતાં. અમદાવાદમાં તો અનલોક-૧ના પ્રથમ દિવસે જ ૩૧૪ કેસો નોંધાયા હતાં. રવિવારની સરખામણી સોમવારે કેસોની સંખ્યા વધી હતી. લોકડાઉનમાંથી તો અમદાવાદીઓને રાહત મળી છે પણ કોરોનાનું સંકટ હજુય ટળ્યું નથી જેથી વધતાં કેસોને કારણે અમદાવાદીઓની ચિંતા વધી છે.

રવિવારની સરખામણીએ સોમવારે ઓછા ટેસ્ટ

કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે તેમ છતાંય કોરોનાના ટેસ્ટ કરાતાં નથી. આ જ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ફટકાર લગાવી છે ત્યારે રવિવારની સરખામણીમાં સોમવારે ઓછા ટેસ્ટ કરાયાં હતાં. સોમવારે ૪૩૨૮ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી ગુજરાતમાં કુલ ૨,૧૬,૨૫૮ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. હવે તો ખાનગી લેબમાં ય ટેસ્ટ કરવાની છૂટ આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.