બંધારણમાં ભારત શબ્દ છે જ, દેશનું નામ બદલવાની જરૂર નથી : સુપ્રીમ

– બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવવાની માગ ફગાવાઇ

ઇન્ડિયા એટલે કે ભારત તેવો સ્પષ્ટ ઉલ્લેખ બંધારણમાં છે, તમે અહીં કેમ આવ્યા છો? : અરજદારને સવાલ

– નામ બદલવા અંગેની અરજીને પ્રતિવેદન તરીકે સંબંધિત મંત્રાલયને મોકલવાની માગને સુપ્રીમે સ્વીકારી

દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં માગણી સાથે એક અરજી થઇ હતી. આ અરજીને લઇને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને સાથે અરજદારને એવી સ્પષ્ટતા કરી હતી કે બંધારણમાં ભારત શબ્દ પણ છે જ તેથી આવા કોઇ આદેશ આપવાની જરુર નથી. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ અરજદારને કહ્યું હતું કે ઇન્ડિયાને પહેલાથી જ ભારત કહેવામાં આવી રહ્યું છે અને બંધારણમાં તેની જોગવાઇ પણ છે એવામાં વિશેષ આદેશની કોઇ જ જરુર નથી.

મુખ્ય ન્યાયાધીશે અરજદારના વકીલને સાથે સવાલ પણ કર્યો હતો અને પૂછ્યું હતું કે તમે અહીં કેમ આવ્યા છો? ઇન્ડિયાને પહેલાથી જ ભારત તરીકે ઓળખવામાં આવે છે અને તે રીતે જ તેને સંબોધવામાં આવે છે. જ્યારે દલીલ ચાલી રહી હતી ત્યારે અરજદારના વકીલે દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગ્રીક શબ્દ ઇંડિકાથી આવ્યો છે અને આ નામને હટાવવું જોઇએ. જ્યારે સુપ્રીમ કોર્ટમાં કોઇ દલીલો ન ચાલી ત્યારે અંતે અરજદારે સમગ્ર મામલે સંબંધીત મંત્રાલય સમક્ષ જવાની અનુમતી માગી હતી જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

સુપ્રીમ કોર્ટે અરજદારને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે બંધારણમાં પણ ભારત નામ લખેલુ છે અને સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ઇન્ડિયા એટલે કે ભારત. અરજી બંધારણના અનુચ્છેદ ૧માં ફેરફાર કરવાની માગણી સાથે કરવામાં આવી હતી અને આ મામલે સરકારને આદેશ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. સાથે એવી દલીલ કરી હતી કે સુધારા કરીને ઇંદુસ્તાન કે ભારત શબ્દનો જ ઉપયોગ થાય તેમ કરવું જોઇએ અને ઇન્ડિયા શબ્દને જ હટાવી દેવામાં આવે. આ દલિલો સુપ્રીમ કોર્ટ સમક્ષ નહોતી ચાલી તેથી હવે અરજદાર સરકાર સમક્ષ રજુઆત કરી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.