PM નરેન્દ્ર મોદીના આ પગલાંના કારણે ચીની મીડિયાના પેટમાં રેડાયું તેલ

સમાચારપત્રે ચીનને ટાર્ગેટ કરનારી અમેરિકાની અનેક યોજનામાં ભારત સક્રિય રહ્યું હોવાનો દાવો કર્યો

ટ્રમ્પ હવે જી-7નો વિસ્તાર કરીને ભારતને તેમાં એન્ટ્રી આપવા માંગે છે તેથી ચીની મીડિયા નારાજ થયું

આર્થિક મહાશક્તિના દમ પર સમગ્ર વિશ્વમાં આક્રમક સ્વરૂપે વિસ્તારવાદી નીતિ અપનાવી રહેલા ચીન વિરૂદ્ધ અમેરિકા અને ભારત જ નહીં પણ ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત તમામ દેશો સક્રિય બન્યા છે. વિશ્વના ભૌગોલિક પરિદૃશ્યમાં બદલાવના એવા સંકેતો મળી રહ્યા છે જે ચીન માટે પડકારરૂપ બની શકે છે. ચીન પણ આ સંકેતોને સમજી ગયું છે અને આ કારણે જ ત્યાંના મીડિયામાં તે અંગેનીચિંતા જણાઈ રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જી-7નો વિસ્તાર કરીને તેમાં ભારતને સામેલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમના દૂરંદેશીપણા અને સર્જનાત્મક વલણની પ્રશંસા કરી હતી અને કોવિડ-19 પછીની દુનિયાની વાસ્તવિકતા સાથે આવા ફોરમનો વિસ્તાર જરૂરી છે તેમ જણાવ્યું હતું.

જી-7 એ વિશ્વની સાત સૌથી મોટી અને ઉન્નત અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમૂહ છે જેમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. ટ્રમ્પ હવે જી-7નો વિસ્તાર કરીને જી-11 કે જી-12 બનાવવાની ઈચ્છા રાખે છે. જી-7માં ભારતની એન્ટ્રીને લઈ ચીની મીડિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

ચીની સરકારના મુખપત્ર સમાન એક સમાચારપત્રે લખ્યું હતું કે, ‘જી-7ના વિસ્તારનો વિચાર ભૌગોલિક સમીકરણોને લઈ છે અને સ્પષ્ટ રીતે તે ચીનને રોકવાનો પ્રયત્ન છે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે માત્ર આ કારણે જ અમેરિકા તેના સાથે નથી પરંતુ તે અમેરિકાની હિંદ-પ્રશાંત રણનીતિનો પણ મહત્વનો હિસ્સો છે. હિંદ-પ્રશાંતમાં ચીનને રોકવા માટે અમેરિકા ભારતને મજબૂત બનાવવા માંગે છે.’

વધુમાં લખ્યું હતું કે, ‘ટ્રમ્પની યોજના અંગેનું ભારતનું ઉત્સાહજનક વલણ ચોંકાવનારૂં ન કહી શકાય. શક્તિની મહત્વકાંક્ષા માટે ભારત લાંબા સમયથી વિશ્વના ટોચના આંતરરાષ્ટ્રીય સંગઠનોનો હિસ્સો બનવા પ્રયત્ન કરી રહ્યું છે. હાલ ભારત અને ચીનના સરહદ વિવાદ વચ્ચે ભારત અમેરિકાની જી-7 યોજનાને સમર્થન આપીને ચીનને સંદેશો આપવા માંગે છે. અનેક નિષ્ણાંતો ચીન પર દબાણ વધારવા ભારતે અમેરિકાની નજીક જવું જોઈએ તેમ કહી રહ્યા છે.’

કોરોના મહામારી બાદ ચીનના ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોમાં પણ કડવાશ વ્યાપી છે. ઓસ્ટ્રેલિયાએ મહામારી માટે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી તેથી ઉશ્કેરાયેલા ચીને તેને આર્થિક નુકસાન પહોંચાડે તેવા પગલા ભર્યા હતા. તેવામાં મંગળવારે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની વર્ચ્યુઅલ દ્વિપક્ષીય બેઠકમાં વ્યાપાર સહિત તમામ ક્ષેત્રે સહયોગ વધારવા વાત થઈ હતી જેથી તે મહત્વની બની રહી હતી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.